વેપારી અને કાર બન્ને ઘરે હોવા છતાં ફાસ્ટ ટેગમાંથી બે વખત પૈસા કપાયા મોરબી : ફાસ્ટટેગમાં વધુ એક છબરડાની ઘટના સામે આવી છે. જેમાં મોરબીના વેપારીની બન્ને કાર ઘરે પાર્કિગમાં હોય અને તેઓ ભરૂડી ટોલ નાકાએથી પસાર થયા ન હોવા છતાં ભરડી ટોલ નાકામાંથી પસાર થયા એમ જણાવીને ટોલ ટેક્સ કાપી લેવામાં આવ્યો હતો. વેપારીએ આ અંગે ફરિયાદ કરી હતી. પણ હજુ સુધી જવાબદારો સામે કોઈ કાર્યવાહી થઈ નથી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વેપારી ધવલભાઈ રાજાના મોબાઈલમાં ગત તા.27 ના રોજ મોબાઈલમાં એક મેસેજ આવ્યો હતો. જેમાં લખ્યું હતું કે તમારી કાર ભરૂડી ટોલ નાકેથી પસાર થઈ હોવાથી રૂ. 40નો ટોલ ટેક્સ કાપી લેવામાં આવ્યો છે. જો કે ધવલભાઈની કાર પાર્કિગમાં હતી. તેઓ કાર લઈને ભરૂડી ટોલ નાકેથી પસાર થયા જ ન હતા. આવી રીતે ભરૂડી ટોલ પ્લાઝાના જવાબદારો એકવાર નહિ બે વખત છબરડો કર્યો હતો. જેમાં એ જ રાત્રે ફરીથી મેસેજ આવ્યો કે, તમારી કાર ભરૂડી ટોલ નાકેથી નીકળી હોવાથી તમારા ફાસ્ટટેગ બેલન્સમાંથી રૂ. 40 નો ટોલ વસુલયો છે. કાર ઘરે પાર્કિગમાં હોવા છતાં બબ્બે વખત ટોલ ટેક્સ કપાતા વેપારીએ ભરૂડી ટોલ નાકે સંપર્ક કર્યો હતો. પણ યોગ્ય જવાબ ન મળતા તેઓએ નેશનલ હાઇવે ઓથોરિટીને લેખિતમાં ફરિયાદ કરી હતી. જ્યારે આ મામલે ભરૂડી ટોલ નાકાના મેનેજરે જણાવ્યું હતું કે, અમુક વખતે ફાસ્ટટેગ સ્કેન ન થાય ત્યારે બુથ કર્મી મેન્યુઅલી કાર નબર દાખલ કરતા હોય છે. તેમાં ઉતાવળે ભૂલ થઈ હોય એવું બની શકે છે. કાર માલિક હાઇવે ઓથોરિટી અથવા અમને જાણ કરો તો તેમને રિફંડ મળી જશે.