હળવદ પંથકમાં ત્રણેક ખેડૂતોએ લીંબુના બગીચા ઉખાડી ફેંક્યા હળવદ : લીંબુની ખેતી માટે જાણીતા હળવદ પંથકમાં આંચકા જનક સમાચાર સામે આવ્યા છે. કોરોના કાળમાં લીંબુની જબરી ખપત હોવા છતાં ખેડૂતોને પૂરતા ભાવ ન મળતાં હોવાથી ખેડૂતોને લીંબુની ખેતીમાંથી રસ ઉડી ગયો છે અને છેલ્લા ત્રણ ચાર દિવસમાં મોટા-મોટા ત્રણેક બગીચા ઉપર ખેડૂતોએ ટ્રેક્ટર ફેરવી દીધા છે. સાથે જ આવનાર દિવસોમાં અન્ય ખેડૂતો પણ લીંબુના બગીચાઓ યોગ્ય ભાવ ન મળવાથી કાઢી નાખવા તૈયારી શરૂ કરી છે. હળવદ તાલુકાના માથક તરફ આવેલા ગામોમાં મોટાભાગે બાગાયતી ખેતી ખેડૂતો કરી રહ્યાં છે. તેમાં ઘણા બધા ખેડૂતોએ લીંબુના બગીચાઓ પણ કર્યા હોય પરંતુ પાછલા બે વર્ષથી એટલે કે કોરોના કાળ જ્યાંથી ચાલુ થયો છે. ત્યારથી લીંબુનું ઉત્પાદન કરતા ખેડૂતો પર માઠી બેઠી હોય તેમ જ્યારે લીંબુનો બજાર ભાવ સારો હોય છે ત્યારે લીંબુ નથી હોતા અને જ્યારે લીંબુ નું ઉત્પાદન થાય છે. ત્યારે યોગ્ય બજાર ભાવ મળતો નથી. જેથી, આખરે ખેડૂતો લીંબુના બગીચાઓ પર ટ્રેક્ટર ફેરવી દેવા મજબૂર બન્યા છે. હળવદના નવાગામ માથક ગામે રહેતા વનરાજસિંહ રાજપૂતએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી લીંબુનો યોગ્ય ભાવ મળતો નથી. જેથી, ખર્ચ પણ માથે પડે છે. અહીંના લીંબુ છેક દિલ્હી સુધી મોકલીએ તો પણ યોગ્ય ભાવ મળતો નથી. હાલ એક કિલો લિંબુના માત્ર પાંચ રૂપિયા જેટલો જ ભાવ મળે છે. સાથે છેલ્લા બે વર્ષથી લીંબુમાં યોગ્ય આવક મળી નથી જેના કારણે નાછૂટકે લીંબુના બગીચાઓ કાઢવા ખેડૂતો મજબૂર બન્યા છે. વધુમાં તેઓ ઉમેરે છે કે, મારે ૨૫ વીઘાનો લીંબુનો બગીચો હતો જેમાં અગાઉ પાંચ વીઘામાંથી લીંબુડી કાઢી નાખવામાં આવી છે અને ગઈકાલે પણ વધુ ૧૨ વીઘામાંથી લીંબુના ઝાડને કાઢવામાં આવ્યા છે. અન્ય પણ બે ખેડૂતોએ લીંબુનો બગીચો કાઢ્યો હોવાનું તેઓ જણાવી રહ્યા છે.