કચરાના ઢગલામાં લાગેલી પ્રચંડ આગ ફાયર બ્રિગેડે બે કલાકની જહેમતને અંતે કાબુમાં લીધી મોરબી : મોરબીના પંચાસર રોડથી આગળ નાની કેનાલ રોડ ઉપર ઓમ પાર્ક સોસાયટી સામે આવેલ અવાવરું જગ્યામાં પડેલા સૂકા ઘાસ સહિતના કચરાના ઢગલામાં આજે મોડી સાંજે એકાએક ભીષણ આગ ભડકી ઉઠી હતી અને જોતજોતામાં આજુબાજુમાં પડેલો ખડ તેમજ કચરાનો મોટો જથ્થો આગની લપેટમાં આવી જતા આગે રોદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. નાની કેનાલ રોડ ઉપર આવાવરું જગ્યાએ ભીષણ આગ લાગયાની જાણ થતાં મોરબી ફાયર બ્રિગેડના સ્ટાફ હિયેશભાઈ દવે, ચંદ્રેશભાઈ રાઠોડ, પ્રિતેશભાઈ નગવાડિયા, કિશનભાઈ ભટ્ટ, રવીનભાઈ ડાભી, કાર્તિકભાઈ ભટ્ટ અને દિનેશભાઇ પડાયા ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને આગ ઉપર સતત પાણીનો મારો ચલાવીને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ફાયર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, સૂકું ખડ અને કચરો હોવાથી આગે જલ્દી વેગ પકડી લીધો હતો. આગ વધુ ફેલાઈ જવાથી બે ફેરા કરીને બે કલાક સુધી જહેમત ઉઠાવતા અંતે આગ સંપૂર્ણપણે કાબુમાં આવી હતી. જો કે આ આગની ઘટનામાં સદનસીબે જાનહાની થઈ ન હતી અને આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.