લાયોનેસ ક્લબ મોરબી દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરાઈ મોરબી : મોરબીમાં તાજેતરમાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગરૂપે ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા પ્લાસ્ટિક હટાવો પર્યાવરણ બચાવો અંતર્ગત પ્રદૂષણ મુકત નોન વુવન બેગ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં 'પ્લાસ્ટિક છોડીએ, સાથમે લાયે થેલા, ના કરે અપને દેશ કો મેલા'ના સ્લોગન સાથે 200 થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું. વર્ષ ૧૯૭૩થી શરૂઆત કરવામાં આવ્યા બાદ આ સંસ્થા દ્વારા આજદિન સુધી તારીખ 5 જૂને વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવે છે પર્યાવરણને દૂષિત કરવામાં પ્લાસ્ટિકનું ઉત્પાદન ખૂબ મોટો રોલ ભજવે છે. માણસજાત માટે સવારના ટૂથબ્રસથી માંડી રાત્રે સૂવા માટે મચ્છરદાનીના ઉપયોગથી માનવજીવન પ્લાસ્ટિકમાં કેદ થયું છે. જેને સમયસર રોકવામાં નહીં આવે તો વિશ્વ પર્યાવરણ માટે ખતરાની ઘંટી સમાન સાબિત થવાનું વિશ્વના વૈજ્ઞાનિકો જણાવવા સાથે ભારત સહિત વિશ્વ ચિંતિત છે. ત્યારે ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા ૫ જૂને પ્રદૂષણમુક્ત બેગ દરેક મેડિકલ સ્ટોરમાં વિતરણ કરી લોકોને પ્લાસ્ટિકના ઉપયોગથી દૂર રહી પર્યાવરણ બચાવવા અપીલ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રોજેક્ટના દાતા કલબના મેમ્બર અરુણાબેન સિંગનું યોગદાન રહ્યું હતું. સાથોસાથ ક્લબના પ્રોજેક્ટ ચેરમેન પ્રફુલ્લાબેન સોની તરફથી પક્ષીઓના ચણ માટે નાના ચબુતરાનું પણ વિતરણ કરવામાં આવ્યું હોવાનું પ્રમુખ પ્રીતિબેન દેસાઇની યાદીમાં જણાવાયું છે.