સમુદ્ર કાંઠાની સુરક્ષાની સાથે દરિયાઈ જીવસૃષ્ટિની માવજત કરે છે ચેરના વૃક્ષ : મોરબી જિલ્લામાં 7770 હેક્ટરમાં પથરાયેલા છે મેન્ગ્રુવના જંગલ મોરબી વન વિભાગ દ્વારા દરિયાઈ જમીનમાં કરાઇ છે નિરંતર ચેરનું વાવેતર અને ઉછેર મોરબી : આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. સામાન્યતઃ વૃક્ષ વાવેતરના ફોટો પડાવી કે રોપ વિતરણ કરી પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે મોરબીના મરીન ફોરેસ્ટ વિભાગ દ્વારા સમુદ્ર કાંઠાની સુરક્ષાની સાથે દરિયાઈ જીવસૃષ્ટિની માવજત કરતા ચેર એટલે કે મેન્ગ્રુવના વૃક્ષોનું જતન અને વાવેતર કરવાની સતત પ્રક્રિયા કરતા છેલ્લા ત્રણેક વર્ષના સમયગાળામાં મોરબી જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં મેન્ગ્રુવના જંગલનો વ્યાપ વધીને 7770 હેકટરમાં પથરાયો છે. પૃથ્વી ઉપર સમુદ્ર હાવી થઇ રહ્યો છે અને દિવસે-દિવસે સમુદ્ર કિનારો આગળ વધી રહ્યો છે ત્યારે દરિયાને આગળ વધતો અટકાવવા કુદરતે જ ઈલાજ રૂપે ચેરના વૃક્ષોની પ્રકૃતિને ભેટ ધરી છે. ખારા ધુધવાળ પાણી વચ્ચે પણ લીલાછમ બનીને લહેરાતા ચેરના વૃક્ષ સમુદ્રને આગળ વધતો રોકે છે. સાથે સાથે દરિયાઈ જીવસૃષ્ટિને પણ રક્ષણ આપી માવજત કરતા હોય સરકાર દ્વારા દરિયાકાંઠાના ચેરના જંગલોને રક્ષિત જાહેર કરી મરીન ફોરેસ્ટ નામનો ખાસ અલાયદો વિભાગ પણ કાર્યરત કર્યો છે. જે અન્વયે મોરબી જિલ્લાના દરિયાકાંઠા વિસ્તાર માટે પણ મેરિન ફોરેસ્ટ કચેરી કાર્યરત છે. જે નવલખી નજીકના દરિયાકાંઠા વિસ્તારમાં ચેર સંરક્ષણની કામગીરી કરે છે. મોરબી મરીન ફોરેસ્ટ વિભાગના ફોરેસ્ટર એમ.જી.દેત્રોજાના જણાવ્યા મુજબ મોરબી જિલ્લામાં 7770 હેકટર જમીનમાં મેન્ગ્રુવ એટલે કે ચેરના જંગલ પથરાયેલા છે. મોરબી જિલ્લામાં ખાસ કરીને ત્રણ પ્રકારના ચેરના વૃક્ષ જોવા મળે છે. જેમાં અવેસિનિયા મરીના, રાઇઝોફોરા અને સિરિયોપ્સ મુખ્ય છે. જો કે મોરબી મેરિન ફોરેસ્ટ હેઠળ નવલખી બંદર, માળીયા સહિતનો સમુદ્રકાંઠાનો વિસ્તાર સમાવિષ્ઠ થયેલ છે. મોરબી મરીન ફોરેસ્ટ જામનગર મરીન નેશનલ પાર્ક હેઠળ આવે છે. દર વર્ષે સરકારના આદેશ મુજબ મરીન ફોરેસ્ટ વિભાગ દ્વારા દરિયાની વચ્ચે જઈ ચેરિયાના વૃક્ષોનું ટાર્ગેટ મુજબ વાવેતર કરવાની સાથે જતન પણ કરવામાં આવે છે અને છેલ્લા ત્રણેક વર્ષના સમયગાળામાં મરિન ફોરેસ્ટ વિભાગ દ્વારા મેન્ગ્રુવ જંગલનો વ્યાપ વધારવા માટે નિરંતર વાવેતર અને ઉછેર કરવામાં આવતા ધારી સફળતા મળી હોવાનું તેઓ ઉમેરે છે. નોંધનીય છે કે દરિયાને આગળ વધતો અટકાવવા ચેરનું સરંક્ષણ કરવું ખુબ જ આવશ્યક હોવા છતાં જામનગર મરીન નેશનલ પાર્ક હેઠળ આવતા નવલખી બંદર ઉપર બેરોકટોક પણે તમામ નીતિ-નિયમો નેવે મૂકી કોલસો સીધો જ જેટી ઉપર ઉતારવામાં આવતો હોય નવલખી બંદર ઉપરાંત આજુબાજુના ચારથી પાંચ કિલોમીટર વિસ્તારમાં ચેરના જંગલનું નિકંદન નીકળી રહ્યું હોવાનું મોરબીના પ્રકૃતિ પ્રેમીઓ જણાવી રહ્યા છે. આ સંજોગોમાં સરકારે ચેરના જંગલનો વિનાશ નોતરી દરિયાઈ જીવસૃષ્ટિ માટે ખતરો બનેલા કોલસાના કારોબારમાં નિયમ પાલન કરાવી ચેરનું સરંક્ષણ કરવું ખાસ જરૂરી હોવાનું પ્રકૃતિ પ્રેમીઓ જણાવે છે.