વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરી આરટીઓ-પોલીસ સત્વરે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠાવાઈ મોરબી : મોરબી નેશનલ હાઇવે ઉપર માતેંલા સાંઢની માફક બેકાબુ રીતે દોડતા હેવી વાહનોના ત્રાસનો ઘણા સમયથી સળગતો પ્રશ્ન છે. જેમાં આડેધડ ચાલતા ડમ્પરોના કારણે અનેક લોકોનો ભોગ લેવાય છે અને ડમ્પર પાછળ ભરેલા માટી, કોલસા સહિતના રો-મટીરીયલ રસ્તા ઉપર ઉડતા હોવાથી અન્ય વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આથી, આવા ડમ્પરચાલકો ઉપર લગામ કસવાની લાંબા સમયથી ચાલતી માગણી સંદર્ભે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરાઈ છે. મોરબી વિશ્વ હિંદુ પરિષદના ભાવિકભાઈ ભટ્ટ, કમલભાઈ દવે, કમલેશભાઈ બોરીચા સહિતનાએ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી કે, મોરબીની બાજુમાંથી પસાર થતા નેશનલ હાઇવે 27 કે, જે ચોટીલાથી કચ્છ તરફ જાય છે. આ હાઈવે પર રો-મટીરીયલ, માટી, કોલસા ભરેલા ડમ્પરચાલકો દ્વારા ગમખ્વાર અકસ્માત સર્જાય છે. આ ડમ્પરચાલકો બેકાબૂ ગતિથી અને નશાની હાલતમાં ટ્રકો ચલાવતા હોય છે. આ ડમ્પરચાલકો પોતે ભરેલા માલને તાલપત્રી દ્વારા ઢાંકતા ન હોવાથી તેમાં ભરેલો માલ પાછળ આવતા વાહનો તથા બાઇકચાલકો ઉપર ઉડતો હોય છે. જેથી, કરીને આ હાઈવે પર રોજ-બ-રોજ અકસ્માત સર્જાય છે. આ અકસ્માત નિવારવા માટે નક્કર પગલા લેવા જરૂરી છે. જેથી કરીને ડમ્પર ચાલકો દ્વારા થતા માનવવધ બંધ થાય. આ ડમ્પરચાલકો ઉપર થોડી મર્યાદાઓ નાખી અંકુશમાં લેવામાં આવે તથા પોલીસ પ્રશાસન અને આરટીઓ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવે અને સંયુક્ત રીતે કામ કરી આ ડમ્પર ચાલકો ઉપર નિયંત્રણ લાદવામાં આવે તેવી માંગ કરી હતી.