મોરબી : સમાચાર અને સોશિયલ મીડિયા પર કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો ઉપર વધારે જોખમ છે તેવા અહેવાલોથી સૌને ચિંતા થાય તે સ્વાભાવિક છે. તો તેના ઉપર ડો. ભાવેશ પરમાર, ધ્રુવ હોસ્પિટલ, બાયપાસ રોડ, મોરબી તરફથી બાળકોના માતા-પિતા માટે મહત્વની માહિતી આપવામાં આવી છે. શું ત્રીજી લહેરમાં માત્ર બાળકો જ સંક્રમિત થવાના છે? જવાબ છે, ના. સંક્રમણ નાના-મોટા દરેક ઉંમરની વ્યક્તિને થઈ શકે છે પરંતુ ટકાવારીની દૃષ્ટિએ જોઈએ તો જેમ પહેલી લહેર કરતા બીજી લહેરમાં ઓછી ઉંમરના વ્યક્તિઓ વધુ સંક્રમિત જોવા મળતા હતા, તે પ્રમાણે ત્રીજી લહેરમાં સંક્રમિતોમાં બાળકોની ટકાવારી વધી શકે. બાળકોને કોરોનાથી બચાવવા શું કરવું? આ પ્રશ્ન લગભગ દરેક માતા-પિતાએ તેમના બાળકોના ડોક્ટર ને પૂછ્યો જ હશે. 1. ઘરમાં ૧૮ વર્ષથી ઉપરની દરેક વ્યક્તિએ કોરોના ની રસી મુકાવી લેવી. જો તેઓ રસીથી કોરોના સામે સુરક્ષિત હશે તો બાળકોમાં ચેપ લાગવાની શક્યતા ઘટી જાય છે. 2. ઘરમાં બાળકો ને ફિઝિકલ ઍક્ટિવિટી જેવી કે હળવી કસરતો યોગ, અગાસીમાં રમવાનું, સાઈકલિંગ વગેરે (ઉંમર ને અનુરૂપ) કરી શકાય. જે બાળકો મેદસ્વી છે કે જેમનું વજન પુખ્ત ઉંમરની વ્યક્તિ જેટલું (50-60 કિલો કે તેથી વધારે) હોય છે તેમાં કોરોના ના કોમ્પ્લિકેશન વધુ જોવા મળે છે. 3. બજારમાં ખરીદી કરવા જતી વખતે બાળકોને સાથે ન લઈ જવા. 4. અત્યારે મોટાભાગના બાળકોને ઘરમાં જ બીજી વ્યક્તિ માંથી ચેપ લાગે છે. એટલે આપણે સૌએ માસ્ક, સેનિટાઈઝેશન અને સોશિયલ ડીસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવું. બાળકોને શેરીમાં બીજા બાળકો સાથે રમવા ન જવા દેવા. 5. બાળકોને આગળની જેરસીઓ મુકવાની બાકી રહી ગઈ હોય તે અત્યારે મૂકાવી દેવી. હા, તેનાથી કોરોના સામે રક્ષણ નહીં મળે, પરંતુ બીજી બીમારીઓ જેમ કે, કમળો કે ટાઇફોઇડ માટે દવા લેવા, રિપોર્ટ કરાવવા કે દાખલ થવા માટે જવાની જરૂરિયાત નહીં પડે અને બહારથી ચેપ લાગવાની શક્યતા ઘટે. સાથે સાથે ચોમાસા પહેલાં સ્વાઇન ફ્લૂની રસી પણ મૂકાવી દેવી જરૂરી છે. કારણ કે સ્વાઇન ફ્લુ અને કોરોનાના લક્ષણો સરખા હોવાથી નિદાન અને સારવારમાં મુશ્કેલી થઈ શકે. બાળકને કોરોના થાય તો શું કરવું અને શું ન કરવું? 1. કોરોના ના પ્રારંભિક લક્ષણો તો હવે બધાને ખબર જ છે. જો બાળકમાં તાવ, ઉધરસ, નબળાઈ, ભૂખ ન લાગવી, માથાનો/ગળાનો દુખાવો વગેરે જણાય તો બાળકોના ડોક્ટર ની સલાહ લેવી. ઘરમાં કોઈ વ્યક્તિને નજીકના સમયમાં કોરોના થયો હોય તો તે વાત ડોક્ટરથી છુપાવવી નહીં. 2. એક વસ્તુ સ્વીકારવી કે, કોઈપણ ઉંમરના બાળકને કોરોના થઈ શકે છે. આથી જો ડોક્ટર કહે કે કોરોના ટેસ્ટિંગ કરવાની જરૂર છે તો... મારું બાળક છ મહિનાનું જ છે તેને કોરોના ન થઈ શકે, મારો છોકરો તો ઘરની બહાર ગયો જ નથી તો તેને કોરોના ન લાગી શકે, સાહેબ તાવ એટલો બધો તો નથી એટલે કોરોના જેવું લાગતું નથી, અત્યારે દવા આપી દો તાવ નહીં માટે તો રિપોર્ટ કરાવી દઈશું, લોહીના રિપોર્ટ કરાવવા હોય તો કરાવી લો પણ કોરોના રિપોર્ટ નથી કરાવવો, અમે તો ગામડે રહીએ છીએ અને અમારા ગામમાં કોઈ કોરોના નો કેસ નથી વગેરે જેવા બહાના ન કાઢવા. 3. કોરોના સાદી વાયરસ ની બીમારી છે અને તેમાં શરૂઆતમાં બહુ વધારે દવાની જરૂર હોતી નથી. તમારા બાળકોના ડોક્ટર એ આપેલી દવા શરૂ કરો, બાળકને આરામ કરાવવો અને બાળકનું મોનિટરિંગ કરતા રહો. કદાચ એક-બે દિવસ તાવ રહે, તો પણ બીજા ડોક્ટરને કે બહારગામ ડોક્ટરને બતાવવા ઉતાવળે જવાની જરૂર નથી. 4. Fabiflu કે doxycycline જેવી દવાઓ બાળકોમાં અમુક ઉંમર પહેલા વાપરવાની હોતી નથી, તો જાતે શરૂ કરી દેવી નહીં. 5. કદાચ શરૂઆતમાં બાળકને તાવ વધારે હોય, જમી ન શકતું હોય અથવા ઉલ્ટી વધુ હોય તો દાખલ કરવાની જરૂર પડી શકે છે. તે માટે તમારા બાળકો ના ડોક્ટર ની હોસ્પિટલ માં જ દાખલ કરીને સારવાર કરી શકાય છે. બાળકોની હોસ્પિટલ માં ડોક્ટર અને સ્ટાફને ઇન્જેકશનના ડોઝની ગણતરી અને નાના બાળકોને બાટલા ચઢાવવાની ફાવટ હોય છે. 6. બહુ ઓછા બાળકોને ઓક્સિજનની અને વેન્ટિલેટર ની જરૂર પડે છે માટે તેની વધારે પડતી ચિંતા કરવી નહીં. 7. મ્યુકોરમાયકોસિસ ના વધુ પડતા સમાચાર વાંચીને મારા બાળકને કોરોના પછી તે થઇ જશે તેવી ખોટી ચિંતા કરવી નહીં. 8. બાળકોને ઉકાળા અથવા ગરમ વરાળનો નાશ સલાહભર્યો નથી. બાળકોમાં કોરોના ટેસ્ટિંગ કરાવવો શા માટે જરૂરી છે? બાળકોને થતા કોરોના માં તાવ સામાન્ય રીતે બે થી ત્રણ દિવસમાં મટી જાય છે પરંતુ જો કોરોના ટેસ્ટ કરાવ્યો હશે અને તે પોઝિટિવ આવ્યો હશે તો... 1. બાળકની સારવાર માં ડોક્ટર અને સારસંભાળમાં માતા-પિતા થોડી વધુ કાળજી અને સતર્કતા રાખી શકશે. 2. યોગ્ય સમયે જરૂરી લોહીના રિપોર્ટ અને દવાઓ ચાલુ કરી શકાય. 3. બહુ મોડો કોરોના નો રિપોર્ટ કરાવવામાં આવે તો મોટાભાગે તે નેગેટીવ જ આવે છે. આથી, બીમારીના ત્રીજા થી પાંચ દિવસ વચ્ચે કોરોના ટેસ્ટિંગ કરાવી લેવું જરૂરી છે. 4. ઘરે મોટી ઉંમરની વ્યક્તિઓને બાળકોથી દૂર રાખીને તેમને ચેપ લાગવાથી બચાવી શકાશે. 5. કોરોના હોય તો 14 દિવસ સુધી બાળકોનું ધ્યાન રાખીશું. કારણ કે કોરોનામાં કોમ્પ્લિકેશન મોડેથી પણ થતાં હોય છે. જ્યારે બીજી બીમારીમાં એકવાર સારું થઈ જાય પછી કોઈ મુશ્કેલી થતી હોતી નથી. 6. પોસ્ટ કોરોના સિંડ્રોમ એટલે કે MIS-C બીમારી અમુક બાળકોને કોરોના થયા પછી થતી હોય છે, તો તેનું નિદાન વહેલું કરી શકાય.