કેનાલમાં ભારે ઘાસ ઉગી નીકળ્યુ હોય, વહેલી તકે સફાઈ ન થાય તો ખેતરોમાં વધુ પાણી ભરાવાની દહેશત હળવદ : હળવદમાથી પસાર થતી ધ્રાંગધ્રા બ્રાન્ચની પેટા કેનાલમાં ભયંકર પ્રમાણમાં ઝાડી-ઝાંખરા ઉગી નીકળ્યા છે. આથી, કેનાલની યોગ્ય સફાઈ થવી જરૂરી છે પણ નર્મદા વિભાગે કેનાલની યોગ્ય સફાઈ કર્યા વગર કેનાલમાં પાણી વધારે છોડી દેતા ખેડૂતોની કપરી હાલત થઈ ગઈ છે ત્યારે કેનાલમાં ભારે ઘાસ ઉગી નીકળ્યુ હોય, વહેલી તકે સફાઈ ન થાય તો કેનાલ છલકાઈ જવાને કારણે ખેતરોમાં વધુ પાણી ભરાવવાની ખેડૂતોએ દહેશત વ્યક્ત કરી છે. ધ્રાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલમાંથી નીકળતી સબ ડિસ્ટ્રિક ડી-૨૨ કેનાલ હળવદના ઘનાળાથી ટીકર સુધી જાય છે. આ કેનાલમાં મોટા પ્રમાણમાં ઘાસ, ઝાડી-ઝાંખરા ઉગી નીકળ્યા છે. કેનાલ સાફ ન કરી હોવાથી ભયંકર રીતે કેનાલમાં આવો અવરોધ ઉભો થયો છે. બીજી તરફ કેનાલની સફાઈ વગર જ સિંચાઈ વિભાગ દ્વારા પાણી છોડવામાં આવી રહ્યું છે. આથી, કેનાલમાં ઘાસ, ઝાડી-ઝાંખરાનો અવરોધ હોય, પાણી છોડવાથી ખેડૂતોને ભારે મુસીબતો થાય એમ છે. ખેડુતોના જણાવ્યા મુજબ જો સમયસર કેનાલની સાફ કરવામાં નહિ આવે તો પાણી જે કેનાલમાં વહી રહ્યું છે તે પાણી ખતરોમાં ભરાઈ જશે. કારણ કે કેનાલમાં મોટા પ્રમાણમાં ઘાસ ઉગી નીકળું હોય અવરોધ થવાથી પાણી વધુ છોડવામાં આવે તો કેનાલ તૂટવાની ભીતિ રહે છે. જો કેનાલ તૂટે તો ખેતરોમાં પાણી ભરાવવાથી ખેડૂતોને મોટું નુકસાન થવાની દહેશત છે. હળવદ નર્મદા નિગમના નાયબ કાર્યપાલક ઈજનેર કે.એમ. ભાભોરે આ બાબતે જણાવ્યું હતું કે અગાઉ એક વખત આ પેટા કેનાલની સાફ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પરંતુ તે રાજ્ય સરકાર દ્વારા નામંજૂર કરવામાં આવી હતી. હાલ આ કેનાલને સાફ કરવા માટે ફરી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને ટૂંક સમયમાં આ કેનાલની યોગ્ય સફાઈ કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું.