જાહેર માર્ગ ઉપર જોખમી ખુલ્લી કુંડીમાં કોઈનો ભોગ લેવાય તે પહેલાં તંત્ર જાગે તે જરૂરી મોરબી : મોરબીમાં તંત્રના પાપે ઠેરઠેર આવેલી ભૂગર્ભની ખુલ્લી કુંડી જોખમી બની રહી છે. ત્યારે મોરબીના સામાકાંઠે મહારાણા પ્રતાપ ચોક પાસે આવેલ ભૂગર્ભની ખુલ્લી કુંડી મોતના કુવા સમાન હોવાથી અહીંથી પસાર થતા વાહનચાલકો ઉપર અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે. જાહેર માર્ગ ઉપર જોખમી ખુલ્લી કુંડીમાં કોઈનો ભોગ લેવા તે પહેલાં તંત્ર જાગે તે જરૂરી છે. મોરબીના સામાકાંઠે મહારાણા પ્રતાપ ચોક પાસે ત્રાજપર જવાના રસ્તા ઉપર ખુલ્લી ભૂગર્ભની કુંડી આવેલી છે. ભૂગર્ભ ગટરની આ કુંડી છેલ્લા ચારેક દિવસથી ખુલ્લી છે ઢાંકણું ન હોવાથી આ ખુલ્લી ભૂગર્ભની કુંડી જોખમી બની રહી છે. જો કે કુંડીની ફરતે સ્થાનિક લોકો દ્વારા વાહનચાલકોની સલામતીને ધ્યાને લઈને અમુક પથ્થરોની આડશ મુકવામાં આવી છે. પણ વધુ સ્પીડે આવતા વાહનોને ન દેખાય તો વાહનો ખુલ્લી કુંડીમાં ખાબકી શકે એમ છે અને વાહનો આ ખુલ્લી કુંડીમાં ખાબકે એવી દહેશત હોવાથી વાહનચાલકો ઉપર જીવનું જોખમ ઉભું થયું છે. તેથી, તંત્ર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.