અકસ્માતનો ભોગ બનતા વાહનચાલકો વહેલી તકે રોડ બનાવવા લોકોની માંગ હળવદ : હળવદથી રાયસંગપર ગામે જવાનો રોડ અત્યંત બિસ્માર હાલતમાં હોય. જેને કારણે રોડ પરથી પસાર થતા વાહનચાલકોને અવારનવાર અકસ્માતનો ભોગ બનવું પડી રહ્યું છે. જેથી, લોકો માંગ કરી રહ્યા છે કે ચોમાસું બેસે તે પહેલા રોડનું કામ કરવામાં આવે અને રોડની હાલત કેવી છે તે જોવા ધારાસભ્ય સાબરીયા આ માર્ગ ઉપરથી એક વાર પસાર થાય તેવું પણ લોકો ઈચ્છી રહ્યા છે. પાછલા ઘણા સમયથી હળવદથી રાયસંગપર ગામ જવાનો રોડ બિસ્માર હાલતમાં હોવા છતાં સમારકામ માટેની કામગીરી ન થતા હાલ આ વિસ્તારની પ્રજા ઉબડખાબડ માર્ગ પરથી પસાર થતા અકસ્માતનો ભોગ બની રહી છે. જેને કારણે લોકો ભારે રોષની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. હળવદના ગ્રામ્ય માર્ગો બદતર હોવા છતાં ધારાસભ્ય સાબરીયા મૌન છે. ત્યારે રાયસંગપર ગામના લોકો એક વખત ધારાસભ્યને આ મગરની પીઠ જેવા માર્ગ ઉપર પસાર થવા આમંત્રણ પણ પાઠવ્યું છે. વધુમાં, ગામના યુવાનો જણાવી રહ્યા છે કે આ માર્ગ પરથી રેતી ભરેલી ટ્રકો પસાર થતી હોવાને કારણે આ રોડની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે. અત્યારે અહીં મેટલ નાખી ખાડા બુરવામાં આવી રહ્યા છે પરંતુ તે પણ માત્ર કહેવા પૂરતું. જેથી, જો અત્યારે રોડનું કામ યોગ્ય કરવામાં નહીં આવે તો ચોમાસામાં આ રોડ પરથી થવું ભારે મુશ્કેલ થઈ પડશે. જેથી, વહેલી તકે રોડનું કામ કરવામાં આવે તેવી અમારી માંગ છે . રાયસંગપર ગામના રોડના પ્રશ્નને લઈને હળવદ આમ આદમી પાર્ટીના મહામંત્રી વિપુલભાઈ રબારી, હિતેશભાઈ વરમોરા સહિતના કાર્યકર્તાઓ રાયસંપર ગામે દોડી ગયા હતા અને ગામના યુવાનોને સાથે રાખી રોડનું નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓને અને નેતાઓને રજૂઆત કરી ગામલોકોના માથાનો દુઃખાવો બની ગયેલા રોડના પ્રશ્નનું વહેલી તકે નિરાકરણ આવે તેવા પ્રયત્નો કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.