કુરિયરના ધંધાર્થીએ ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે તસ્કરોને ઝડપી લેવા તપાસ હાથ ધરી મોરબી : મોરબીના પંચાસર રોડ ઉપર આવેલા કુરિયર સર્વિસના ગોડાઉનમાં તસ્કરોએ ખાતર પાડ્યું હતું. તસ્કરો આ ગોડાઉનમાંથી રૂ.4.37 લાખનો મુદામાલ ચોરી કરી ગયાનો બનાવ સામે આવ્યો છે. કુરિયરના ધંધાર્થીએ ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે તસ્કરોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનેથી આ ચોરીના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના કાલીકા પ્લોટમાં નર્મદા હોલ સામે આવેલ શિવ સોસાયટીમાં રહેતા દિગ્વીજયસિંહ જીવણસિંહ રાઠોડ (ઉ.વ.31) ફ્રીગ્રેટ લોજીસ્ટીક પ્રા.લી. કંપની વડોદરા સાથે જોડાઈને કુરિયરનો વ્યવસાય કરે છે અને આ કુરિયર સર્વિસ માટે તેઓએ મોરબીના પંચાસર રોડ ઉપર અવધ ડેરીવાળી શેરીમાં આશાપુરા કોમ્પ્લેકસમાં આવેલ નવઘણભાઇ ડાભીનું ગોડાઉન ભાડે રાખ્યું છે. ઓનલાઇન કુરીયર માટે ભાડે રાખેલા આ ગોડાઉનમાં ગત તા.1 જુનના રોજ રાત્રે તસ્કરો ખાબક્યા હતા. અને તસ્કરોએ આ ગોડાઉનના શટરનુ ચાવી વડે તાળુ ખોલી અંદર પ્રવેશ કરી ગોડાઉનની અંદર રાખેલ ટેબલના ખાનાનો લોક તોડી ખાનામાં ઓનલાઇન પાર્સલો ગ્રાહકોએ આપ્યા હોય તેના કલેકશનના આવેલા તેમજ ઓફીસ ખર્ચના રાખેલ કુલ રોકડા રૂ.4,34,000 નો મુદામાલ ઉઠાવી ગયા હતા. ચોરીના બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને ચોરીનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી હતી. આ બનાવ અંગે કુરિયરના ધંધાર્થીએ ફરિયાદ નોંધાવતા આ બનાવની વધુ તપાસ એ ડિવિઝન પી.આઇ. સોનારા ચલાવી રહ્યા છે.