બિઝનેશ એક્સપોની જેમ જ મોરબીની ઉત્કૃષ્ટ પ્રોડકટ માટે વેપારી અને ઉદ્યોગકાર વચ્ચે સેતુ બનશે : એસોસિએશનની ઓફિશિયલ વેબસાઇટ અપગ્રેડ કરાશે મોરબી : કોરોના મહામારીને કારણે મોરબી સીરામીક ઇન્ડસ્ટ્રીઝને અણધાર્યું મંદીનું ગ્રહણ નડયું છે અને ડોમેસ્ટિક માર્કેટ સદંતર ઠપ્પ થયું છે ત્યારે સિરામિક ઉદ્યોગને બુસ્ટર ડોઝ આપી પ્રવર્તમાન સમયમાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં વ્યાપાર વધે તે માટે સિરામિક એસોસિએશને ખાસ કમર કસી ફોરેન બાયર્સ અને ઉદ્યોગકારો વચ્ચે સેતુ બની ઓનલાઇન પ્લેટફોર્મ પૂરું પાડવા તૈયારી શરૂ કરી છે. સિરામિક હબ મોરબીમાં હાલમાં ગ્લેઝ, વોલટાઇલ્સ, ફ્લોર ટાઇલ્સ, વિટરીફાઇડ, જીવીટી, પીજીવીટી અને સેનેટરીવેર્સ પ્રોડક્ટના કુલ મળી એકાદ હજાર જેટલા યુનિટ આવેલા છે. તમામ યુનિટો કોરોના મહામારી પહેલા દિવસ રાત ધમધમતા હતા પરંતુ કોરોના મહામારીની સેકન્ડ વેવમાં દેશભરમાં સંક્રમણ વધતા લોકડાઉન અમલી બનવાથી સિરામિક ઉદ્યોગને જબરો ફટકો પડયો છે ત્યારે મોરબીના સિરામિક ઉદ્યોગની પ્રવર્તમાન સ્થિતિનો ઉકેલ શોધવા સિરામિક એસોસિએશને કમર કસી છે. મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું કે હાલમાં લોકડાઉનની સ્થિતિમાં આંતરરાજ્ય વેપાર સદંતર બંધ જેવી સ્થિતિમાં છે પરંતુ ફોરેન માર્કેટમાં મોરબીની પ્રોડક્ટની ખાસી એવી ડિમાન્ડ છે. તે જોતા ઉદ્યોગકારો અને ફોરેનના વેપારીઓ વચ્ચે સેતુ બાંધવા એસોસિએશન ખાસ ઓનલાઇન બિઝનેશ પ્લેટફોર્મ ઉભું કરવા નક્કી કર્યું છે. નોંધનીય છે કે વિશ્વભરમાં કોરોના વાયરસ ફેલાવવા માટે ચીનને જવાબદાર માનવામાં આવતું હોવાથી હાલની પરિસ્થિતિમાં મોરબી સિરામિક ઉદ્યોગના મુખ્ય હરીફ એવા ચાઈનાની પ્રોડકટની માંગ ઘટી છે. જેનો સીધો જ ફાયદો મોરબી સીરામીક ઉદ્યોગને મળી રહ્યો છે અને આવનાર દિવસોમાં સિરામિક એસોસિએશનના ઓનલાઇન પ્લેટફોર્મથી મોરબીના ઉદ્યોગને વધુને વધુ ફાયદો મળશે. વધુમાં, નિલેશભાઈ જેતપરિયા ઉમેરે છે કે, હાલની સ્થિતિમાં ડોમેસ્ટિક માર્કેટ બંધ થવાથી 35થી 40 ટકા યુનિટમાં શટડાઉન જેવી સ્થિતિમાં ફોરેન માર્કેટના ઓર્ડરને કારણે જ અન્ય એકમો ચાલી રહ્યા છે ત્યારે આવનાર દિવસોમાં વહેલામાં વહેલી તકે સિરામિક એસોસિએશનની સતાવાર વેબસાઈટ ઉપરથી જ ઉદ્યોગકારોને ફોરેન ટ્રેડિંગ માટે વિકલ્પ પૂરો પાડવા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. જો કે કોરોના મહામારીને કારણે હાલમાં બિઝનેશ એક્સપો યોજવા શક્ય નથી પરંતુ ઓનલાઇન માધ્યમથી આ કમી પણ દૂર કરવા સિરામિક એસોસિએશન ઉદ્યોગોના હિતમાં પ્રયત્નશીલ હોવાનું નિલેશભાઈ જેતપરિયાએ અંતમાં ઉમેર્યું હતું.