મોરબી નગરપાલિકા દ્વારા વેપારીઓને રાહત આપતો નિર્ણય મોરબી : મોરબીના વેપારીઓને પાલિકાએ રાહત આપી છે. આરટીપીસીઆર ટેસ્ટ ન કર્યો હોય તો દુકાન સિલ કરવાની જાહેરાત કર્યા બાદ ભારે દેકારો મચી ગયો હતો. પણ પાલિકાએ હવે કોરોના વેકસીન મુકાવી હોય તેવા વેપારીઓને આરટીપીસીઆર ટેસ્ટમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરી છે. કોરોના ભલે હળવો પડી ગયો હોય પરંતુ હવે મોરબી પાલિકા સંક્રમણ ફેલાઇ તેવું જરાપણ ઇચ્છતી નથી. માટે જ પાલિકા દ્વારા મોરબી શહેરના તમામ વેપારીઓને કોરોના આરટીપીસીઆર ટેસ્ટ કરાવી લેવા તાકીદ કરી છે. અને જો ટેસ્ટ કરાવ્યા વગર કોઈ વેપારી વેપાર કરતા માલુમ પડશે તો દુકાન સીલ કરવામાં આવશે. તેવી સ્પષ્ટ ચેતવણી આપી હતી. અને ટુક સમયમાં જ આરટીપીસીઆર ટેસ્ટ અંગે ચેકીંગ પણ શરૂ કરવાનું જણાવાયું હતું. મોરબી નગરપાલિકા વિસ્તારમાં ગુજરાત શોપ એન્ડ એસ્ટાબ્લીમેન્ટ એકટ તથા ગુજરાત વ્યવસાય વેરા અધિનિયમ હેઠળ નોંધાયેલ વેપારીઓ દુકાનદારોને તથા વેપાર ધંધામાં રોકાયેલ તાબાના કર્મચારીઓને RTPCR TEST કરાવ્યા બાદ જ વેપાર ધંધો કરવા તાકીદ કરી હતી. સાથે વેપારીઓ (1) મોરબી નગરપાલિકા કચેરી, ગાંધી ચોક, મોરબી (2) અર્બન હેલ્થ સેન્ટર, વીસીપરા, મોરબી (3) અર્બન હેલ્થ સેન્ટર, બાલ મંદિર ઈમારત, સો ઓરડી, મોરબી-2 (4) અર્બન હેલ્થ સેન્ટર, પરસોતમ ચોક, કાલીકા પ્લોટ, મોરબી અને (5) અર્બન હેલ્થ સેન્ટર, ગોકુળનગર, શનાળા રોડ, મોરબી ખાતે આરટીપીસીઆર ટેસ્ટ કરાવી શકશે તેવું જાહેર કરાયુ હતું. જો કે આજ રોજ પાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે જે વેપારીઓએ વેકસીન લીધી હશે તેઓને આરટીપીસીઆર ટેસ્ટમાંથી મુક્તિ આપવામાં આવશે. એટલે હવે વેકસીન લીધી હોય તેવા વેપારીઓને રાહત મળી છે.