જિલ્લાભરમાં બેફામ દારૂનો વેપલો ચાલી રહ્યો હોવાના ગર્ભિત આક્ષેપ સાથે એક અરજદારની ઉચ્ચ અધિકારીઓને કટાક્ષભરી રજુઆત મોરબી : અમને દારૂ વેચવાની છૂટ આપો, ભાગ પણ આપશું. આવી મંજૂરી એક અરજદારે જિલ્લા કલેક્ટર અને એસપી સમક્ષ માંગતા આશ્ચર્ય સર્જાયું છે. જો કે આ અરજદારે જિલ્લાભરમાં દારૂનો વેપલો બેફામ ચાલતો હોવાના ગર્ભિત આક્ષેપ સાથે આ કટાક્ષભરી રજુઆત કરી હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે. મોરબીના લીલાપર ગામના પ્રકાશનગર વિસ્તારના મકવાણા ગૌતમ જયંતીભાઈ નામના અરજદારે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને રજુઆત કરી છે કે અમે પછાત વર્ગના છીએ. મજૂરી કામ કરી અમે અમારા કુટુંબનું ગુજરાન ચલાવીએ છીએ. મોરબીમાં દારૂનું વેચાણ ખૂબ ચાલી રહ્યું છે. જેથી મને પણ દારૂ વેચવાની છૂટ આપવામાં આવે તેવી માંગ છે. વધુમાં જણાવાયું હતું કે રાજ્યમાં માત્ર ચોપડે જ દારૂબંધી છે. બાકી બધે દારૂ મળે છે. માટે મારે પણ દારૂનો ધંધો ચાલુ કરવો છે. જેના માટે સરકારી ધારા ધોરણ મુજબ જે કઈ પૈસા આપવાના થાય તે આપવા હું તૈયાર છું. અમે આ ધંધામાં રૂપિયાના ભાગ આપવા પણ તૈયાર છીએ. અંતમાં જણાવાયું હતું કે આપના દ્વારા તાત્કાલિક જણાવવામાં આવે કે કઈ જગ્યાએ અમે દારૂનો ધંધો ચાલુ કરી શકીએ. અને કેટલા રૂપિયા ચૂકવવા પડશે.