અજાણ્યા શખ્સોએ મલિન ઈરાદો પાર પાડવા કારને સળગાવી દીધી હોવાની પોલીસને ફરિયાદ મોરબી : મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં પાર્ક થયેલી એક બોલરો કારમાં કોઈએ પેટ્રોલ છાંટીને સળગાવી દીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં કાર માલીકે આ બનાવની એ ડિવિઝન પોલીસને લેખિતમાં ફરિયાદ કરીને દોષીતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. મોરબીના નવલખી રોડ ઉપર આવેલા રણછોડનગર વિસ્તારમાં રહેતા અજિતસિંગ સોહનસિંગ સરદારે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને લેખિતમાં અરજી આપીને જણાવ્યું હતું કે, તેઓએ પોતાની જી.જે.03 એફ.ડી.2038 નંબરની મહિન્દ્રા બોલરે કાર ગઈકાલે તા.31 મેના રોજ મોરબીના ઔદ્યોગિક વિસ્તાર લાતી પ્લોટની શેરી નંબર-7 માં આવેલ શ્યામ ટીમ્બરની સામે પાર્ક કરી હતી. ત્યારે કોઈ.અજાણ્યા શખ્સોએ મલિન ઈરાદો પાર પાડવા બોલેરો કારમા પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી. આથી, બોલેરો કાર આગમાં ભસ્મીભૂત થઈ ગઈ હતી. વધુમાં જણાવ્યું હતું કે, તેઓએ આ કાર નારસિંગ સોહનસિંગ સરદાર પાસેથી ગત તા. 13 ફ્રેબ્રુઆરીના રોજ ખરીદી હતી. જો કે આ કાર સળગાવવામાં તેઓને હાલ કોઈના પર શંકા નથી. પણ આ બાબતની કડી મેળવવા માટે પોલીસ ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરી દોષીતોની ખરાઈ કરીને યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠાવી છે.