પહેલા વરસાદ બાદ પ્રિ-મોન્સૂન કામગીરીની અસરકારકતા સાબિત થશે મોરબી : દરવર્ષે શહેરમાં વરસાદી પાણી નિકાલની સમસ્યા ધ્યાને લઇ મોરબી નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત નાલા-વોકળાની સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. મોરબી નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી અન્વયે વરસાદી સીઝન પહેલા મોરબી શહેરના તથા શહેર બહારના ઓજી. વિસ્તારના આશરે 22થી 23 વોકળા-નાલા બુગદાની સફાઈનું કાર્ય શરૂ કરાયેલ છે. નગરપાલિકા પ્રમુખ કુસુમબેન કે. પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા તથા ચેરમેન સુરેશભાઈ દેસાઈ તથા તમામ સદસ્યોની દેખરેખ અને માર્ગદર્શન મુજબ ચીફ ઓફિસર દ્વારા જુદા-જુદા વોકળાની સફાઈનું કાર્ય એજન્સી મારફત શરૂ કરાયેલ છે. જે અન્વયે સમય ગેઇટ શનાળા રોડથી ધુતારીનું નાલુ, અંબિકા રોડ કુબેરનગર નવલખી રોડવાળું નાલું, સામાકાંઠે પરશુરામ પોટરી પોસ્ટ ઓફીસ વાળુંનાલુ, સરકીટ હાઉસવાળો વોકળો, લોહાણાપરાથી શાક માર્કેટ બિસ્મીલ્લાહ હોટલ થઇ બુઢાવાળી લાઈનવાળો વોકળો, રવાપર રોડ ઉપરનું નાલુ તેમજ ધુતારીનું નાલુ પંચાસર રોડ વગેરે નાલા,વોકળાની સફાઈ ચાલુ થયેલ છે. બાકીના બીજા નાલા,વોકળાની સફાઈ કરવાનું કામ પણ શરૂ થનાર છે તેમ યાદીમાં જણાવ્યું છે.