શરીર માટે ટોબેકોનું વ્યસન અતિ હાનિકારક છે અને તે સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડે છે. ગુટકા, તમાકુ, સિગારેટ જેવા વ્યસન જીવલેણ સાબિત થઇ શકે છે. આ અંગે સમાજમાં જાગૃતિ આવે એ હેતુથી વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ 31મી મેના દિવસે વર્લ્ડ નો ટોબેકો ડે (તમાકુ નિષેધ દિન) જાહેર કર્યો છે. વ્યસન કોઇપણ હોય તેને છોડવું અઘરું નથી, ધીમા ઝેર સમાન વ્યસનને છોડવા જરૂર છે માત્ર પ્રબળ ઇચ્છાશક્તિની. સામાન્ય રીતે, વ્યસન છોડવા ઇચ્છતી વ્યક્તિને વ્યસનમુક્તિ કેન્દ્રમાં લઇ જવામાં આવે છે, ત્યાં દવા-ઇન્જેક્શન, ગ્રૂપ થેરપી, ફેમિલી થેરપી અને મનોચિકિત્સકની યોગ્ય સલાહ આપવામાં આવે છે. આ દ્વારા તમાકુનું વ્યસન છૂટી જાય છે. પરંતુ દારૂનું વ્યસન છોડાવવા માટે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરીને જ સારવાર આપવામાં આવે છે. જેથી, દર્દી સતત દેખરેખ નીચે રહેવાથી કેફી દ્રવ્યનું સેવન ન કરી શકે. તમાકુ અને તેનાથી બનેલા પદાર્થોનું સેવન કરવાને કારણે ફેફસાનું કેન્સર, ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન, લિવર કેન્સર, મોઢાનું કેન્સર, ડાયાબિટીઝનો ખતરો, હૃદય રોગ કોલોન કેન્સર જેવી ગંભીર બીમારીઓ થવાની શક્યતા રહેલી છે. તમાકુથી થતી બિમારીઓની અવધી બહુ લાંબી હોય છે. વ્યસન વ્યક્તિઓને માનસીક, શારિરીક અને આર્થિક રીતે પાઇમાલ કરી નાખે છે. અને તમાકુ, ધ્રુમપાનથી થતા કેન્સર જેવા રોગની મહદ્અંશે સંપૂર્ણ સારવાર શકય બનતી નથી. પરંતુ જો મક્કમપણે તમાકુ છોડવાનો નિર્ણય કરવામાં આવે તો તમામ બિમારીઓને શરીર પ્રવેશતી રોકવી શક્ય છે ખરી. ટોબેકોના વ્યસનથી થતી બીમારીઓ વિશે વિચારીને તમાકુ કે તેનાથી બનનારા પાન-મસાલા અને સિગારેટનું સેવન કરનારા લોકોએ તમાકુનું સેવન છોડી દેવું જોઈએ. જે ન માત્ર તેમના સ્વાસ્થ્ય માટે પરંતુ તેઓની આસપાસમાં રહેતા લોકો માટે પણ વરદાનરૂપ સાબિત થઈ શકે છે.