મોરબી : કોઈને કોઈ વ્યસનએ દરેક પ્રદેશની આદિકાળ આદત રહી છે. સામાન્ય સમાજ હોય કે સમૃદ્ધ સમાજ હોય વ્યસન એ ઘણાંખરા લોકો માટે અનિવાર્યતા હોય તેમ જણાઈ આવે છે.મદિરા, તમાકુ, ચરસ, ગાંજો, અફીણ જેવાં વ્યસનો મુખ્ય છે. આ વ્યસનોએ માનવ સંસાધનને આદિકાળ વિધાયક નુકસાન પહોંચાડયું છે. વિશ્વના ધર્મ સમુદાયો, ચિંતકો, દાક્તરો કે વ્યસનને લીધે મૃત્યુના આંકડાઓ વ્યસન મુક્ત સમાજ રચવામાં સફળ થયા નથી.ત્યારે વ્યસન માટે યુવાનોની થવાનું હશે તે માનસિકતા જવાબદાર હોવાનું અને આ માનસિકતામાંથી ભાર આવવું આવશ્યક હોવાનું તજજ્ઞો માની રહ્યા છે. વ્યસનોમાં તમાકુ આધારિત વ્યસન વધુ અસરકારક સાબિત થતું હોય તેમ જણાય આવે છે. વર્તમાનમાં દર વર્ષે વિશ્વમાં સિત્તેર લાખ લોકો તમાકુના સેવનને કારણે કોઇને કોઇ રોગથી મૃત્યુ પામે છે. તમાકુનું સેવન એ આજે વૈશ્વિક સમસ્યા બની ગયું છે. આ વ્યસનમાં બીડી, સિગારેટ, પાઇપ (ધતુરી) અને હોકા જેવી સ્મોકિંગની આદતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તમાકુ-ચુનો, પ્રોસેસતમાકુ, પાન, ફાકી દ્વારા તમાકુ ચાવવાની આદતનો સમાવેશ થાય છે. તમાકુના સેવનથી કેન્સર, ફેફસાના રોગો તથા પેટના રોગોની સંભાવના વધી જાય છે. તમાકુમાં નિકોટીન, નાઇટ્રોસાયમિન અને કાર્બન મોનોક્સાઈડ જેવાં નુકસાનકારક તત્વો હોય છે જે કેન્સર માટે જવાબદાર બને છે. તે હૃદયની રક્તવાહિની બંધ કરી દે છે. આથી હાર્ટ સંબંધી તકલીફો ઊભી થાય છે. તમાકુના સેવનની આટલી ભયાનકતા છતાં વ્યસનીઓને તેનો ભય અને ડર નથી રહ્યો એ વિચિત્ર બાબત ગણવી રહી. અહીં જાગૃતતાનો સ્પષ્ટ અભાવ જોવા મળે છે. આ બાબતને ધ્યાનમાં લઇ વિશ્વ આરોગ્ય સંસ્થાએ ૧૯૮૭માં આ સંદર્ભે ગંભીરતાથી અધ્યયન કરેલ અને તે માટે લોકોને જાગૃત કરવાની યોજના તૈયાર કરેલ. તે સંદર્ભે ૧૯૮૮માં ૭ એપ્રિલે 'વિશ્વ તમાકુ નિષેધ દિવસ' મનાવવામાં આવેલ. ત્યાર પછીથી દર વર્ષે ૩૧ મેના વિશ્વ તમાકુ નિષેધ દિવસ મનાવવામાં આવે છે અને તેના દ્વારા વિશ્વ સમુદાયને જાગૃત કરવામાં આવે છે. દર વર્ષે જુદા થીમ(શીર્ષક) હેઠળ આ દિવસની ઉજવણી ઘોષિત થાય છે અને તે અનુસંધાને કાર્યક્રમો આયોજિત થાય છે. આ વર્ષે Commit to Quite શીર્ષક હેઠળ તમાકુનું સેવન કરનારાં દસ કરોડ લોકોને તમાકુનું સેવન છોડાવવાનો ઉદ્દેશ રાખવામાં આવેલ છે. આ વર્ષે કોરોના મહામારીને લીધે આ દિવસ મોટાભાગના દેશોમાં ઓનલાઇન કાર્યક્રમ દ્વારા ઉજવાશે. એક સર્વે મુજબ તમાકુ ન લેવા વાળા કરતા તમાકુ લેવા વાળાને હાર્ટ સંબંધી ગંભીર બીમારીઓનું જોખમ બેથી ચાર ગણું હોય છે. અહીં એક બાબત એ નોંધવી આવશ્યક બને છે કે કેટલાક નિર્વ્યસની લોકોને પણ આ પ્રકારની ગંભીર બીમારીઓ થતી જોવા મળે છે અને કેટલાક તમાકુના તીવ્ર વ્યસનીઓ તંદુરસ્ત જીવન જીવી જાય છે. એનો મતલબ આપણે એ આંકવો જરા પણ વ્યાજબી નથી કે 'થવાનું હશે તે જ થશે'. અભ્યાસો એવું સ્પષ્ટ કહે છે કે વ્યસનીઓને રોગ થવાની સંભાવના ઘણી વધી જાય છે જયારે નિર્વ્યસનીઓને રોગ થવાની સંભાવના ઘણી ઓછી રહે છે. આ ઉપરાંત વ્યસનીઓને રોગમાંથી બહાર નીકળવું ઘણું મુશ્કેલ બની જાય છે જયારે નિર્વ્યસનીઓને રોગમાંથી બહાર નીકળવું વ્યસનીઓ જેટલું વિકટ બનતું નથી. તમાકુની આદત ધરાવતા લોકોની એક બીજી માનસિકતા એ પણ જોવા મળી છે કે તેમાંના મોટા ભાગના લોકો જ્યારે તેમની સામે તમાકુની આદતથી ગંભીર પરિણામો આવે છે તેનું દર્શન થાય છે ત્યારે તે વ્યસન કે આદત છોડવાનો સ્પષ્ટ નિર્ધાર કરે છે. પરંતુ સમય વીતવાની સાથે મસાણીયા વૈરાગ્યની જેમ તે પોતાની આદતમાં પુનઃ પ્રવેશ કરે છે. મોટાભાગના લોકો વ્યસન છોડવામાં નિષ્ફળ રહે છે તેવું સ્પષ્ટ જોવા મળ્યું છે. જુદા જુદા ધર્મના મોભીઓ, વિશ્વના મહાન ચિંતકો, સરકાર, સમગ્ર આરોગ્ય વિભાગ, શિક્ષક સમાજ, સમાજના મોભીઓ વગેરે દ્વારા વિશ્વમાં અથાગ પ્રયત્નો કરવામાં આવે છે છતાં તેનું હકારાત્મક પરિણામ નોંધનીય જોવા મળતું નથી. તમાકુના વપરાશમાં સતત વૃદ્ધિ એ તમાકુ સેવનનું સતત વધતું પ્રમાણ દર્શાવે છે. સરકાર તેના ઉત્પાદન અને વેચાણ ઉપર વધુ ને વધુ કર નાખી કિંમત વધારા દ્વારા વપરાશ નિયંત્રિત કરવા માંગે છે. છતાં તેનું પરિણામ મળતું નથી. આજે માનવ સંસાધન તમાકુના વિવિધ વ્યસનોથકી મોટું નુકસાન ખમી રહ્યું છે. ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વે ઇન્ડિયા ૨૦૧૬-૧૭ મુજબ ૧૫ વર્ષથી વધુ વયના ૨૬.૭ કરોડ પુખ્ત વયના લોકો ભારતમાં તમાકુનું સેવન કરે છે. વિશ્વના તમાકુના કુલ વ્યસનીઓમાં ભારતના વ્યસનીઓનું પ્રમાણ ૨૯ ટકા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના અભ્યાસ મુજબ ભારતમાં દર વર્ષે ૧૩.૫ લાખ લોકો તમાકુના સેવનના લીધે થયેલ રોગોથી મૃત્યુ પામે છે. ભારત એ વિશ્વનું બીજા ક્રમનું તમાકુનું સૌથી વધુ ઉત્પાદન કરતું અને વપરાશ કરતું રાષ્ટ્ર છે. આપણે જ્યારે વિશ્વની હરીફાઈમાં આપણા રાષ્ટ્રને આગળ ધપાવી રહ્યા છીએ ત્યારે તમાકુનું સેવન નિયંત્રિત કરવું જ રહ્યું. - પ્રો. આર. કે. વારોતરિયા