ઉછીના પૈસા લઈ નશો કરનાર મકનસરનાં યુવાને આપઘાત કર્યો મોરબી : મોરબી તાલુકાના મકનસર ગામમાં રહેતા યુવકને ઉછીના પૈસા લઇ નશો કરવાની આદત હતી. આથી, દેણું થઇ જતા યુવકે જીવન ટૂંકાવ્યું હતું. મકનસર ગામમાં વાદી પરા વિસ્તારમાં રહેતા 28 વર્ષીય અનીલભાઇ ભગવાનજીભાઇ ઝિઝુવાડીયાએ ગઈકાલે તા.29 ના રોજ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ લીધો હતો. આથી, તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી હતી. આ બનાવની પોલીસે પ્રાથમિક તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મૃતક અનિલભાઈ એલ્યુમીનીયમના બારી-બારણાનું મજૂરી કામ કરતો હતો. અને તેને એડવાન્સ પૈસા લઇ નશો કરવાની ટીકડીઓ ખાવાનું વ્યસન હતું. આથી, દેણુ થઇ જતા તેને આપઘાત કર્યો હતો.