વાંકાનેરના મકતાનપરનો બનાવ વૃદ્ધે પરિવારના જ ત્રણ સભ્યો સામે હુમલા અને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી વાંકાનેર :વાંકાનેરના મકતાનપર ગામે રહેતા પરિવારમાં લગ્ન પ્રસંગ દરમિયાન હિસાબ બાબતે ડખ્ખો થયા બાદ વાત મારમારી સુધી પહોંચતા આ પરિવારીક મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. જેમાં વૃદ્ધ ઉપર તેના પરિવારના ત્રણ સભ્યોએ હુમલો કરી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાતા વાંકાનેર પોલીસે આ બનાવની વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી માવજીભાઇ લખમણભાઇ રાણેવાડીયા (ઉ.વ.60, ધંધો-ખેતી, રહે. મકતાનપર, તા.વાંકાનેર) એ આરોપીઓ મેરાભાઇ હમીરભાઇ રાણેવાડીયા, ચંદુભાઇ હમીરભાઇ રાણેવાડીયા, જગદીશભાઇ હમીરભાઇ રાણેવાડીયા (રહે. બધા મકતાનપર, તા.વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.28 ના રોજ મકતાનપર ગામે હમીરભાઇ લખમણભાઇ રાણેવાડીયાના મકાન પાસે બનેલા બનાવમાં ફરીયાદી તથા આરોપીઓ કાકા ભત્રીજા થતા હોય અને ફરીયાદીએ આરોપીને લગ્ન પ્રસંગના હીસાબ બાબતે ઠપકો આપતા આરોપીઓ ઉશ્કેરાઇ જઇ લાકડી વડે ફરીયાદીને માથાના ભાગે તથા શરીરે માર મારતા ફરીયાદીને ડાબા પગે ફેક્ચર તથા માથાના ભાગે ટાંકા આવતા તેમજ ફરીયાદીને શરીરે મુંઢ ઇજાઓ કરી ત્રણેય આરોપીએ ફરીયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની ફરિયાદ પરથી પોલીસે આરોપીઓ સામે આઇ.પી.સી. કલમ ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. કે.એચ.રાવલ ચલાવી રહ્યા છે.