વોર્ડ નંબર 11ની સોસાયટીમાં જોખમી વિજલાઈન બદલવા માટે વિજતંત્રને રજુઆત મોરબી : મોરબીના છેવાડાના વોર્ડ નંબર 11માં આવેલી સોસાયટીઓની વિજલાઈનમાં વારંવાર શોર્ટ સર્કિટ થતા જીવિત વીજ વાયર નીચે પડતા હોવાથી સ્થાનિકોના જીવ ઉપર જોખમ તોળાઈ રહ્યું છે. ચોમાસુ નજીક આવી રહ્યું હોય ત્યારે આ જોખમી વિજલાઈનમાં શોર્ટ સર્કિટ થવાથી મોટી દુર્ઘટનાનો ભય છે. આથી, સ્થાનકોએ જોખમી વિજલાઈન બદલવા માટે વિજતંત્રને રજુઆત કરી છે. મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર 11ના કાઉન્સીલર અલ્પાબેન કંજારીયાના પતિ રોહીતભાઇ અને મોરબી જીલ્લાના ભાજપ આઈ.ટી. સેલ સહ ઈનચાર્જ ચંપકસિહ રાણા દ્વારા આજે મોરબી પીજીવીસિલના અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, મોરબીના વોર્ડ નંબર 11માં આવેલ આનંદ નગર, ગૂલાબનગર, શ્રીજી પાર્ક સોસાયટીમા આવેલી વિજલાઈન જોખમી બની ગઈ છે. વારંવાર આ વિજલાઈનમાં શોર્ટ સર્કિટ થાય છે. તેથી જીવિત વિજવાયર નીચે પડે છે. આ દરમિયાન શેરીમાં કે સોસાયટીમાં રમતા બાળકો અને વૃદ્ધોના જીવ ઉપર સતત જોખમ રહે છે. વિજપોલમાં પણ શોર્ટ સર્કિટનો પ્રશ્ન હોય સ્થાનિકો ઉપર અકસ્માતનું જોખમ રહે છે. ઉપરથી ચોમાસુ નજીક આવી રહ્યું છે. ત્યારે આ વિજલાઈનમાં વધુ શોર્ટ સર્કિટથી કોઈનો ભોગ લેવાઈ તે પહેલાં જ યુદ્ધના ધોરણે આ સોસાયટીની જોખમી બનેલી વિજલાઈન બાદલવાની માંગ કરી છે.