હળવદની મેઈન બજારની ઘટના : ત્રણ શખ્સો સીસીટીવીમાં કેદ થયા હળવદ : હળવદમાં ગત મોડીરાત્રીના શહેરની મેઇન બજારમાં આવેલ ગોલ્ડ પ્લેટિંગ જવેલરીની દુકાનમા તસ્કરોએ ખાતર પાડ્યું હતું અને રૂપિયા ૨૦ હજારની પ્લેટિંગ જવેલરીની ચોરી કરી ગયા હતા. દુકાનદારે આ બનાવની જાણ પોલીસ કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરની મેનઈ બજારમાં આવેલ શ્રી સાજનજી જવેલરી નામની દુકાન ધરાવતા વિજયભાઈ પ્રજાપતિ આજે સવારે દુકાને આવ્યા ત્યારે દુકાનનું તાળુ તૂટેલું હોય અને કોઈ અજાણ્યા શખ્શો દુકાનમાં પ્રવેશ કરી ચોરી કરી હોવાનું સામે આવતા તેઓ દ્વારા આ બનાવની જાણ પોલીસને કરી હતી જેથી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. દુકાનની અંદર તપાસ કરાતા અંદાજે રૂપિયા ૨૦,૦૦૦ની પ્લેટિંગ જ્વેલરીની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ દ્વારા દુકાનદારની ફરિયાદના આધારે બાજુની દુકાનમાં રહેલ સીસીટીવી કેમેરાના ફુટેજને આધારે તપાસ શરૂ કરી છે. જેમાં ગત મોડીરાત્રીના શંકાસ્પદ રીતે હાથમાં લોખંડનો સળીયો લઈ ત્યાંથી પસાર થઈ રહેલા ત્રણ યુવાનો કેમેરામાં કેદ થયા હોય તેમની ઓળખ મેળવવા પોલીસે તપાસ હાથ ધરી છે.