મોટા અકસ્માત ટાળવા આવનારા ચોમાસા પહેલા કોઝવે રીપેર કરવો જરૂરી: માળીયા મી.: ઘાટીલા ગામ નજીક આવેલા પંચાયત હસ્તકના માર્ગ પર વર્ષો પૂર્વે બનાવેલ કોઝવે હાલ રીપેરીંગ માંગી રહ્યો છે. ઉક્ત કોઝવે પર પડી ગયેલા મોટા ખાડાઓને કારણે છાસવારે નાના મોટા અકસ્માતો થતા રહે છે. જુના ઘાટીલાથી ટિકર જતાં માર્ગ પર આવેલા કોઝવેની હાલત દયનિય બની છે. મસ મોટા ખાડાઓને કારણે વાહનચાલકોને ભારે અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. વારંવારની રજુઆત બહેરા કાને અથડાઈને પાછી ફરે છે. દરેક રજુઆત વખતે કોઈને કોઈ બહાના બતાવવામાં આવી રહ્યા હોય સ્થાનિકોની મુશ્કેલીઓનો અંત ક્યારે આવશે એ જોવું રહ્યું. ઉલ્લેખનીય છે કે હાલ પાણીનો પ્રવાહ બંધ હોય સ્થાનિકોએ આ કોઝવે સત્વરે રિપેર કરવા કાર્યપાલક ઈજનેર મોરબી જિલ્લા પંચાયતમાં લેખિત રજુઆત કરી છે.