આજે 28 મેના રોજ ક્રાંતિકારી વીર સાવરકરની જન્મજયંતિ દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ આપવાની લડતમાં મહત્વનો ફાળો આપનાર વીર સાવરકરનું મૂળ નામ વિનાયક દામોદર સાવરકર છે. તેમનો જન્મ વર્ષ 1883માં 28 મેના રોજ મહારાષ્ટ્ર રાજ્યના નાસિકના ભાગુર ખાતે થયો હતો. તેમજ તેમનું મૃત્યુ વર્ષ 1966માં 26 ફેબ્રુઆરીના રોજ મહારાષ્ટ્રના મુંબઈ ખાતે આમરણાંત ઉપવાસ રાખ્યા હોવાના લીધે થયું હતું. તેઓ બડા બાબુ અને તાત્યારાવ નામથી પણ ઓળખાય છે. વિનાયક 10 વર્ષના હતા ત્યારે તેના માતા રાધાબાઈનું અવસાન થઈ ગયું. પિતા દામોદર પંતે મા-બાપનો પ્રેમ આપી એમને સાચવ્યા. વિનાયક બચપણથી જ કવિતા રચતા હતા. ઈ.સ. 1894માં ચાફેકર બંધુઓએ (ત્રણ ભાઈઓ) 'હિન્દુ ધર્મરક્ષિણી સભા'ની સ્થાપના કરી હતી. જે નબળી થઇ ગયેલી હિન્દુ પ્રજાનું રક્ષણ કરવા આંદોલન ચલાવતી હતી. તેનો મૂળ હેતુ વિધર્મીઓના આક્રમણથી, અંગ્રેજ શાસકોના ત્રાસથી હિંદુઓને બચાવવાનો હતો તથા હિંદુઓમાં અંદરોઅંદર અન્યાય, અસંગઠિતતા અને અવ્યવસ્થા દૂર કરવાનો હતો. વિનાયક આ સભામાં ભળ્યો, ત્યારે તેની ઉંમર 13-14 વર્ષની હશે. ત્યારે પૂનામાં પ્લેગ ફાટી નીકળ્યો હતો. કમિશનર મિ. રેન્ડ બહુ કઠોર અને ક્રૂર હતો, તેણે પ્લેગનાં જંતુઓને બાળી નાખવા મોટા પ્રમાણમાં લોકોનાં ઘરો બાળવા માંડ્યાં. લોકો નિરાધાર થઈ ગયાં હતાં. પ્લેગ કરતાં આ રેન્ડના ત્રાસથી લોકો વધુ દુ:ખી થતા હતા. ચાફેકર બંધુઓએ સભા બોલાવી અને રેન્ડની કઠોરતાનો વિરોધ કર્યો પણ રેન્ડ ઉપર કશી અસર ન થઈ. ચાફેકર બંધુઓએ પ્રજાને રેન્ડના ત્રાસમાંથી છોડાવવા તેને ગોળીએ ઠાર કર્યો અને છેવટે ત્રણે ભાઈઓને ફાંસીની સજા થઈ. ત્રણે બંધુઓ ફાંસીએ લટકી ગયા. ચારેય તરફ ચાફેકર બંધુઓની જ વાતો ચાલે. ત્યારે લોકમાન્ય ટિળક પણ લોકજાગૃતિનું કાર્ય કરતા હતા. આ બધી ઘટનાઓનો પ્રભાવ વિનાયક ઉપર પડ્યો. તે કુળદેવી દુર્ગામાતાના મંદિરે ગયા અને જીવનભર અંગ્રેજો સામે સંઘર્ષ કરીને સ્વાધીનતા લાવવાની પ્રતિજ્ઞા કરી પાછો આવ્યા. આ પ્રતિજ્ઞા તેમણે આજીવન નિભાવી. આમ, આટલી નાની ઉંમરે દેશની ચિંતા સેવી સ્વતંત્રતા પ્રાપ્તિ માટે અંગ્રેજો સામે લાડવાનો સંકલ્પ કરી વીર સાવરકરે સાબિત કરી આપ્યું કે દેશસેવા માટે કોઈ ઉંમર નાની નથી હોતી.