અગાઉ જેવો જ ટ્રાફિક દેખાતા પોલીસની પણ આકરી કસોટી મોરબી : મોરબીમાં મીની લોકડાઉનમાંથી છૂટછાટ મળતા બજારો ફરી ધમધમવા લાગી છે. અને જનજીવનની ગાડી ધીરે-ધીરે ટોપ ગિયરમાં દોડવા લાગતા શહેરમાં હવે અગાઉ જેવો જ ટ્રાફિક દેખાવા લાગતા આજે શહેરના મુખ્યમાર્ગો ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો અને અગાઉ જેવો જ ટ્રાફિક દેખાતા પોલીસની પણ આકરી કસોટી થઈ રહી છે. મોરબીની બજારોમાં ધીરે-ધીરે ચહલપહલ વધતા બજારો ચેતનવંતી બની ગઈ છે અને બજારોમાં લોકોની અવર-જવર વધી ગઈ છે. મુખ્ય માર્ગો ઉપર પણ ભીડ દેખાઈ રહી છે. લોકો પોતાના કામધંધામાં પરોવાઈ ગયા હોવાથી મોરબી શહેર અગાઉની જેમ કાર્યવિન્ત થઈ ગયું છે. જો કે આજે સવારે મુખ્ય માર્ગો પર વાહનોની મોટી અવરજવર દેખાઈ હતી. જેથી, ઠેર-ઠેર ટ્રાફિક જામ સર્જાયો હતો. ખાસ કરીને નહેરુ ગેઇટ, ગેસ્ટ હાઉસ રોડ, પરા બજાર, ગ્રીન ચોક સહિતના મુખ્ય માર્ગો ઉપર થોડીવાર માટે ટ્રાફિક જામ થવાથી વાહનચાલકો અટવાયા હતા.