સંબધિત તંત્ર ચોમાસા પહેલા આ ખખડધજ રોડનું યોગ્ય રીપેરીંગ કરે તેવી માંગ મોરબી : મોરબી તાલુકાના નીચી માંડલ ગામથી હળવદ તાલુકાના માથક ગામને જોડતો માર્ગ લાંબા સમયથી ખખડધજ હાલતમાં છે. આ રોડ એટલી હદે ખરાબ થઈ ગયો છે કે રોડ ઉપરથી પસાર થવું અકસ્માતને આમંત્રણ આપવા બરાબર છે. આવા સંજોગોમાં સંબધિત તંત્ર આ ખખડધજ રોડનું ચોમાસા પહેલા યોગ્ય રીપેરીંગ કામ કરે તેવી સ્થાનિક લોકોએ માંગ ઉઠાવી છે. મોરબી તાલુકાના નીચી માંડલ ગામથી હળવદ તાલુકાના રાતાભેર-માથક ગામને જોડતો રસ્તો એટલી હદે ભંગાર બની ગયો છે કે, આ રોડ ઉપર વાહન તો ઠીક ચાલીને પણ નીકળી ન શકાય તેવી ખરાબ પરિસ્થિતિ છે. છેલ્લા દોઢેક વર્ષથી આ રોડની કપરી દુર્દશા છે. જો કે અગાઉ આ રોડનું રીપેરીંગ કામ કરવમાં આવ્યું હતું. પરંતુ રોડ ઉપર રીપેરીંગના નામે માત્ર થુંકના સાંધા જ કરી દેવાતા થોડા સમયમાં આ થિંગડાની પોલ ખુલી ગઈ હતી અને ફરી રોડની ખરાબ હાલત થઈ ગઈ છે. આથી, ગામલોકોને અહીંથી અવરજવર કરવામાં નાકે દમ આવી જાય છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આ ગ્રામ્ય વિસ્તારના મુખ્ય રોડની ચોમાસા પહેલા હાલત નહિ સુધારવામાં આવે તો ચોમાસામાં વરસાદથી લોકોને વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડશે. આથી, ચોમાસુ નજીક આવતું હોય જવાબદાર તંત્ર વહેલી તકે જાગીને આ રોડનું યોગ્ય સમારકામ કરે તેવી સ્થાનિકોએ માંગણી ઉઠાવી છે.