કેનાલમાં ખાબકયા બાદ રીક્ષા હેઠળ દબાઈ જતા રીક્ષાચાલક મોતને ભેટ્યો મોરબી : મોરબીના હરિપર અને વાઘપર ગામની વચ્ચે કેનાલમાં ઓચિંતા છકડો રીક્ષા ખાબકી હતી. કેનાલમાં ખાબકયા બાદ રીક્ષા હેઠળ દબાઈ જતા રીક્ષા ચાલક મોતને ભેટ્યો હતો. જો કે સિંગલ પટ્ટીનો કાચો માર્ગ હોય અચાનક છકડો રીક્ષા પરથી કાબુ ગુમાવતા આ કરુણ ઘટના બની હતી. મોરબી તાલુકા પોલીસ મથકના એ.એસ.આઈ આર.બી.વ્યાસે આ બનાવની વિગતો આપતા જણાવ્યું હતું કે, હળવદના બસ સ્ટેન્ડ પાછળ આવેલ વડનગર વિસ્તારમાં રહેતા અને છકડો રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા દેવસીભાઈ મેરુભાઈ ભાડકા (ઉ.વ.43) ગત તા.25 ના રોજ પોતાની છકડો રીક્ષામાં જીરું ભરીને તોલ કરવા મોરબીના હરિપર (કેરાળા) ગામે આવ્યા હતા. બાદમાં તેઓ એકલા છકડો રીક્ષા લઈને હળવદ પરત જઈ રહ્યા હતા ત્યારે હરિપરથી વાઘપર ગામના સિંગલ પટ્ટીના કાચા રોડ ઉપર તેઓએ કોઈ કારણોસર અચાનક રીક્ષા પરથી કાબુ ગુમાવતા બાજુની કેનાલમાં રીક્ષા સમેત ખબકયા હતા અને રીક્ષા સાથે કેનાલના પાણીમાં ખાબકયા બાદ રીક્ષા હેઠળ દબાઈ જતા છકડો રીક્ષા ચાલકનું મોત નીપજ્યું હતું. બીજા દિવસે તેમની લાશ બહાર કાઢીને પોલીસે પીએમ કરાવીને તેમના પરિવારજનોને સોંપી હતી. આ બનાવને પગલે તેમના પરિવારમાં અરેરાટી મચી ગઇ હતી. તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.