હળવદ : હળવદ તાલુકાના રણજીતગઢ ગામમાં આવેલ શ્રીહરિકૃષ્ણ ધામ દ્વારા હળવદ અને ધ્રાંગધ્રામાં જરૂરિયાતમંદોને પગરખાનું વિતરણ કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં કાળુપુર ખાતે સ્વામિનારાયણ મંદિરમાં યોજાનાર નરનારાયણદેવના દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે હળવદ તાલુકાના રણજીતગઢ ગામમાં આવેલ શ્રીહરિકૃષ્ણ ધામના સંતો તથા શનિ સભાના યુવાનો દ્વારા હળવદના નાડીયાવાસ વિસ્તાર અને આસપાસની ઝૂંપડપટ્ટી વિસ્તાર તેમજ ધ્રાંગધ્રામાં શ્રમિક પરિવારના બાળકોને વિનામૂલ્યે ચપ્પલનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે ઉલ્લેખનીય છે કે હરિકૃષ્ણ ધામના સ્થાપક ભક્તિહરિદાસજી સ્વામીએ સંત દીક્ષા ગ્રહણ કરી ત્યારથી આજે 63 વર્ષની ઉંમરે પણ તેઓ ખુલ્લા પગે ચાલીને સત્સંગ વિચરણ કરે છે અને દેહને કષ્ટ આપી તપોમય જીવન જીવે છે. પણ ગરીબોને પગ ન બળે તે માટે ચપ્પલ વિતરણ કરી 'સંત બડા પરમારથી' ઉક્તિ સાર્થક કરી છે. આ આયોજન કોશલેન્દ્રપ્રસાદ મહારાજના આશીર્વાદ, અ.નિ. વિજ્ઞાનદાસ સ્વામીની પ્રેરણા, સદ્. ભક્તિહરિદાસ સ્વામીના માર્ગદર્શનથી પરિપૂર્ણ થયું છે. શ્રીહરિકૃષ્ણધામ દ્વારા સમયની જરૂરિયાત પ્રમાણે ચપ્પલ વિતરણ, જેકેટ અને ધાબળા વિતરણ, મચ્છરદાની વિતરણ, અનાજ વિતરણ, ગરીબ દર્દીઓ માટે નિઃશુલ્ક દવા-ફ્રુટ વિતરણ, ગરીબ વિદ્યાર્થીઓને વિદ્યાદાન જેવી સામાજિક સેવાઓ કરવામાં આવતી હોવાનું યાદીમાં જણાવ્યું છે.