હાલના કોરોના કાળમાં 18 વર્ષથી ઉપરના લોકોનું વહેલી તકે વેકસીનેશન ચાલુ કરવાની માંગ સાથે મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી મોરબી : મોરબી જિલ્લામાં હજુ સુધી 18 વર્ષથી ઉપરના લોકો માટે વેકસીનની કામગીરી શરૂ થઈ નથી. જો કે અન્ય જીલ્લામાં આ કામગીરી ચાલુ થઈ ગઈ છે. પણ મોરબી જિલ્લામાં 18 વર્ષથી ઉપરના લોકો માટે હજુ ક્યારે વેકસીનની કામગીરી શરૂ થશે એ નક્કી જ નથી. ત્યારે હાલની કારોના કાળની પરિસ્થિતિને ધ્યાને લઈને મોરબી સીરામીક એસોસિએશન દ્વારા મોરબી જિલ્લાના 18 વર્ષથી ઉપરના લોકોનું વેકસીનેશન ચાલુ કરવાની માંગ સાથે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે. મોરબી સીરામીક એસોસિએશનના હોદેદારો મુકેશભાઈ કુંડારિયા, નિલેશભાઈ જેતપરિયા, વિનોદભાઈ ભાડજા અને કિરીટભાઈ પટેલે મુખ્યમંત્રીને કરેલી રજુઆતમાં જણાવ્યું હતું કે, મોરબી શહેર સીરામીક નગરી તરીકે ઓળખાય છે. સીરામીક ઉદ્યોગમાં અન્ય રાજ્યોના ઘણા બધા મજૂરો કામ કરે છે અને બહારથી વેપારીઓ પણ એટલા આવતા હોઈ છે તેમજ બહારના રાજ્યોમાંથી ટ્રક ડ્રાઈવરો પણ મોટા પ્રમાણમાં આવતા હોય છે.ત્યારે આ બધાના સંપર્કમાં ઉદ્યોગકારો અને સ્થાનિકોને સંપર્કમાં આવવાનું થતું હોય છે. ત્યારે કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે વેકસીનેશન ખૂબ જરૂરી છે. આમ પણ મોરબીમાં 18 વર્ષથી ઉપરનો મોટો સમૂહ છે. સરકારના આદેશ મુજબ અન્ય જિલ્લાઓમાં 18 વર્ષથી ઉપરના લોકોનું રસીકરણ ચાલુ છે. પણ મોરબી જિલ્લામાં હજુ સુધી રસીકરણ ચાલુ થયું નથી. આથી, ઘણા લોકોને કોરોના સામે રક્ષણ મેળવવા રસીકરણ માટે રાજકોટ જવું પડે છે અને ત્યાં રજિસ્ટ્રેશન કરાવીને મોરબીના લોકોને રસી મુકાવી પડે છે. ત્યારે મોરબી જિલ્લામાં જો 18 વર્ષથી ઉપરના લોકોનું રસીકરણ શરૂ કરાઇ તો રાજકોટના ધક્કામાંથી મુક્તિ મળવાની સાથે કોરોના સામે પણ રક્ષણ મેળવી શકાશે તેમ તેમણે રજુઆતમાં જણાવ્યું હતું.