એ ડિવિઝન પોલીસે દર્દીના સગા સામે ફરજમાં રૂકાવટનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી મોરબી : મોરબીની સિવિલ હોસ્પિટલમાં હમણાંથી દર્દીઓના સગા દ્વારા સારવાર બાબતે ડોક્ટર કે સ્ટાફ સાથે ગેરવર્તન કરાતું હોવાનો બનાવો બહાર આવ્યા છે. તેમાં વધુ એક બનાવનો ઉમેરો થયો છે. જેમાં મોરબીની સિવિલ હોસ્પિટલમાં દર્દીના સગાએ ડોક્ટર સાથે માથાકૂટ કરીને ઝપાઝપી કરી હતી. આ બનાવની ડોક્ટરે ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે દર્દીના સગા સામે ફરજમાં રૂકાવટનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીની સિવિલ હોસ્પિટલમાં ડોકટર તરીકે ફરજ બજાવતા યશભાઈ ભરતભાઈ હીરાણીએ મહમદ અલ્લારખાભાઈ નામના પેસેન્ટના સગા સામે ફરિયાદ નોંધાવી હતી કે, ડો.યશ હિરાણી ગઈકાલે મોરબીની સિવિલ હોસ્પિટલના કોવિડ વિભાગમાં ફરજ ઉપર હતા. ત્યારે આરોપીએ આવીને ડો.યશ હિરાણી સાથે માથાકૂટ કરીને ઝપાઝપી કરી હતી. આથી, દર્દીના સગાના ગેરવર્તનથી ડોકટર ડઘાઈ ગયા હતા અને આ બનાવ અંગે ડોક્ટરે ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે આરોપી સામે ફરજમાં રુકાવટ ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ ગુન્હો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.