માળીયા પંથકમાં ઓવરલોડ ટ્રકોમાંથી ઢોળાતું મીઠું લોકોના સ્વાસ્થ્ય અને ખેતીને કરી રહ્યું છે નુકશાન: માળીયા મી.: માળીયા મિયાણા તાલુકાના બગસરા ગામે મીઠાનાં ઉત્પાદકો દ્વારા કરવામાં આવતી લાપરવાહીને કારણે સ્થાનિકોનું જીવન દુષ્કર બની ગયું હોવાની લેખિત રજુઆત સબંધિત વિભાગો સહિત મુખ્યમંત્રી સુધી કરવામાં આવી છે. માળીયા મી.ના બગસરા ગામનાં સરપંચે ગ્રામ સભામાં થયેલા ઠરાવની નકલો સબંધિત વિભાગો સહિત મુખ્યમંત્રી સુધી પહોંચાડીને એક આવેદનપત્ર આપ્યું છે. બગસરાના સરપંચ મહેબૂબભાઈ હામીદભાઈ સુમરાએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યાનુસાર મીઠા ઉત્પાદકો દ્વારા ટ્રકોમાં ઓવરલોડ ભરવામાં આવતું મીઠું ગામની વચ્ચેથી પસાર થતા માર્ગો પર ઢોળાતું જાય છે. ગામમાંથી પસાર થતા ટ્રકો દ્વારા ધૂળ માટી ઉડીને લોકોના ઘરોમાં આવતી હોવાથી લોકોના સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસરો પહોંચાડી રહ્યો છે. નિયમ મુજબ મીઠા ભરેલા ટ્રક ઉપર તાલપત્રી ઢાંકવી જોઈએ; જેનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. ઓવરલોડ ભરેલા ટ્રકોને ઝડપવાની જવાબદારી આરટીઓની હોવા છતાં આ દિશામાં કાર્યવાહી થતી નથી. આ સમસ્યા બાબતે અગાઉ ઘણી વખત સબંધિત તંત્રને કરેલી રજૂઆતો બાદ પણ હજુ આ દિશામાં કોઈ યોગ્ય પગલાં ભરવામાં આવ્યા નથી. બગસરા ગામથી વવાણીયા ગામ વચ્ચે ચાલતા ટ્રકોમાંથી ઢોળાતા મીઠાને કારણે સ્થાનિક ખેતીને પણ વ્યાપક નુકશાન પહોંચી રહ્યું છે. ગ્રામીણોની માંગણી છે કે મીઠાનું પરિવહન કરતા ટ્રકો માટે ગામમાંથી પસાર થવાના બદલે અન્ય માર્ગ બનાવવામાં આવે. ગામને થતા નુકસાનને રોકવા માટે સબંધિત તંત્ર જેવા કે, જિલ્લા કલેકટર, આરટીઓ કચેરી મોરબી, પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, મામલદાર માળીયા મી., તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, મોરબી- માળીયાના ધારાસભ્ય સહિત મુખ્યમંત્રીને પોતાની વ્યથા વર્ણવી આ સમસ્યાનું સત્વરે નિવારણ આવે એવી માંગણી કરી છે.