મકનસરમાં માથાભારે શખ્સોએ જાતિ વિશે અપમાનજનક ટિપ્પણી કરી ગેરેજ સંચાકલ ઉપર તલવાર-પાઇપથી કર્યો હુમલો મોરબી: તાલુકાના પ્રેમજીનગર (મકનસર) ગામે એક ગેરેજ સંચાલક અને તેના હેલ્પર પર ગેરેજ આઠ વાગ્યે બંધ કરી દેજે એમ કહીને જાતિ પ્રત્યે અપમાનજક ભાષા પ્રયોગ કરી હુમલો કરાતા બન્ને ઇજાગ્રસ્તોને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે બનાવની ફરિયાદના આધારે 4 હુમલાખોર આરોપીઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર પ્રેમજીનગર ગામ પાસે આવેલ ધ્રુવ ગેરેજનાં સંચાલક જયેશભાઈ વેલજીભાઈ શેખવાએ ચાર શખ્સો વિરુદ્ધ એફઆઈઆર લખાવી છે. એમાં જણાવ્યાનુસાર ફરિયાદી જયેશભાઈ પોતાના ગેરેજે વાહન રીપેરીંગનું કામ કરી રહ્યા હતા એ દરમ્યાન સાંજે સાડા સાતેક વાગે ગામમાં જ રહેતા બાબુભાઇ ઠોરીયા આવ્યા હતાં અને મને ધમકાવ્યો હતો કે, સાંજે 8 વાગ્યે ગેરેજ બંધ થઈ જવું જોઈએ. આમ કહી બોલાચાલી કરવા લાગેલ અને જાતિ વિશે અપમાનિત શબ્દો કહેવા લાગ્યા. આ દરમ્યાન ગામમાં જ રહેતા દેવશીભાઈ ગમારા અને લખમણભાઈ આવી ચડ્યા હતા. દેવશીભાઈના હાથમાં તલવાર અને લખમણભાઈના હાથમાં લોખંડનો પાઇપ હતો. આ ત્રણેય જણાનો મારા પર હુમલો કરવાનો આશય હોવાનું સ્પષ્ટ થયું હતું. બોલાચાલી દરમ્યાન બાબુભાઇ ઠોરીયાએ ડાબી બાજુની આંખ નીચે લાકડી મારી હતી અને રતાભાઈ ગમારાએ હાથ તથા હથેળીમાં તલવાર મારી હતી. આ ઉપરાંત વાંસામાં આડેધડ લોખંડના પાઇપના ફટકા માર્યા હતા. આ દરમ્યાન ગેરેજમાં કામ કરતા હેલ્પર રવિ શેખવાને માથામાં લાકડી મારી હતી અને મારા ભાઈ ગુલાબભાઈને પણ આવેલા હુમલાખોરોએ આડેધડ માર માર્યો હતો. આ હુમલાખોરોથી બચાવવા વચ્ચે પડેલા મારા મિત્ર વિનોદભાઈ વાઘેલાને પણ માર મારવામાં આવ્યો હતો. ગેરેજમાં રીપેરીંગ માટે આવેલા જનકભાઈ પરમારના ડિસ્કવર બાઈકને હુમલાખોરોએ જતા જતા સળગાવી નાંખ્યું હતું. જયેશભાઈની ઉપર મુજબની ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે હુમલાખોર ચારેય આરોપીઓને ઝડપી લેવાની કવાયત આદરી છે. મોરબી તાલુકા પોલીસ સ્ટે.ના પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.વી. ડાંગરે ઇજાગ્રસ્ત જયેશભાઈની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે જેમના પર હુમલો થયો છે એ ગેરેજ સંચાલક જયેશભાઈએ કોરોનાની લ્હેર તીવ્ર બની હતી ત્યારે ઓક્સિજનના વાલ્વ બનાવીને લોકહિતાર્થે સેવા કાર્ય કર્યું હતું.