વ્યાજે આપેલા 25 લાખના 90 લાખ માંગી પઠાણી ઉઘરાણી કરાતા વેપારી જીવ દીધો હોવાની મૃતકની પત્નીએ ફરિયાદ નોંધાવી મોરબી : મોરબીના વેપારીએ બે દિવસ પહેલા મચ્છુ 3 ડેમના વહેતા પાણીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં શાહુકારનો ત્રાસ કારણભુત હોવાનું બહાર આવ્યું છે. જેમાં મિત્રને ધંધા માટે નાણા અપાવ્યા બાદ શાહુકાર એ નાણાંની પઠાણી ઉઘરાણી કરતો હોવાથી તેનાથી ત્રાસી જઈને વેપારીએ જીવ દીધો હતો. આ બનાવની વેપારીની પત્નીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી છે. મોરબીના લખધીરવાસમાં આવેલા લોહાણાપરા વિસ્તારમાં રહેતા 47 વર્ષીય વેપારી સંજયભાઈ બચુભાઈ કારીયાએ ગત તા. 24ના રોજ અમરેલી ગામની સીમ ખાખરાવાળી મેલડીમાંના મંદિર પાસે મચ્છુ-૩ ડેમમાં વહેતા પાણીમાં ઝંપલાવીને મોતને વ્હાલું કરી લીધું હતું. બાદમાં વેપારીની લાશ બહાર કાઢીને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ બનાવની તાલુકા પોલીસે નોંધ કરીને બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે તાલુકા પીએસઆઇ કોઠીયાએ જણાવ્યું હતું કે, વેપારીના આપઘાતના બનાવમાં નાણાંની પઠાણી ઉઘરાણી જવાબદાર છે. આ બનાવની મૃતકના પત્નીએ ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગે મૃતકના પત્ની હેતલબેન સંજયભાઇ કારીયા (ઉ.વ.૪૩)એ આરોપી પ્રશાંતભાઇ મહેતા સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીના પતિએ વચ્ચે રહી ફરીયાદીના કુટુંબી ભાઇ ચિરાગભાઇ પ્રભુદાસભાઇ ભીંડાને પ્રશાંતભાઇ મહેતા પાસેથી ૨૫ લાખ રૂપિયા અપાવેલ હોય. જે રૂપિયા ફરીયાદીના કુટુંબી ભાઇ ચિરાગભાઇ પાછા આપતા ન હોય. જેથી, આરોપી ફરીયાદીના પતિ પાસે રૂપિયાની ઉઘરાણી કરતા ફરીયાદીના પતિએ ૨૦ લાખ રૂપિયા પાછા આપેલ હોય અને ૫ લાખ રૂપિયા આપવાના બાકી હોય. જેથી, આરોપી ફરીયાદીના પતિ પાસે બાકી રહેલ ૫ લાખ અને ૨૫ લાખનું ઉંચુ વ્યાજ મળી ૯૦ લાખ રૂપિયા આપવા બાબતે અવારનવાર ફોન કરી ધાક-ધમકી આપી દબાણ કરી ત્રાસ આપી ફરી.ના પતિને મરી જવા મજબુર કર્યાનું ફરિયાદમાં જણાવ્યું હતું. આ બનાવની ફરિયાદ નોંધીને વધુ તપાસ મોરબી તાલુકા પી.એસ.આઇ. વી. કે. કોઠીયા ચાલવી રહ્યા છે.