ટ્રાફિકથી ધમધમતા માર્કેટ ચોકમાં દુર્ઘટના : સદભાગ્યે જાનહાની ટળી વાંકાનેર : વાંકાનેરમાં ટ્રાફિકથી ધમધમતા માર્કેટ ચોકમાં નાગરિક બેન્ક સામે નીતિનિયમો નેવે મૂકી બની રહેલા કોમ્પ્લેક્ષના બાંધકામના પાપે લાંબી દીવાલ ધડાકાભેર તૂટી પડતા લોકોમાં ફફડાટ મચી ગયો હતો. જો કે સદભાગ્યે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી. વાંકાનેર નગરપાલિકાની લાપરવાહ નીતિને કારણે શહેરમાં ગેરકાયદેસર અને નીતિનિયમ વિરૂધ્ધના બાંધકામોનો રાફડો ફાટ્યો છે. કાગળ ઉપર નકશા પાસ કરાવ્યા બાદ માર્જિન, પાર્કિંગની જગ્યા પણ છોડવામાં આવતી નથી ઉપરાંત નીતિનિયમ મુજબ બાંધકામ થતું ન હોય ભવિષ્યમાં વાંકાનેરના સાંકડા માર્ગો ઉપર ટ્રાફિક સમસ્યા સર્જાવાની દહેશત વચ્ચે ગઈકાલે આવા જ એક બહુમાળી કોમ્પ્લેક્ષના પાયા ખોદવામાં બેદરકારી દાખવવામાં આવતા મસ મોટી દીવાલ ધડાકાભેર ધરાશયી થઈ જવા પામી હતી. વધુમાં વાંકાનેરના માર્કેટ ચોક નજીક નાગરીક બેંક સામે બહુમાળી ઇમારતના પાયાનું કામ હાલ ચાલી રહ્યુ હોય બાજુમાં જ મિલ્કત ધરાવતા લાલાભાઇ લેટવાળાનું કારખાનું તેમજ એક ધાર્મિક સ્થાન આવેલું હોય કોમ્પ્લેક્ષ બનાવનારને આજુબાજુના મિલ્કત ધારકોએ સાવચેતી રાખવા ચેતવ્યા હતા. તેમ છતાં કામ ચાલુ રહેતા જૂની દીવાલ ધરાશયી થઇ ગઈ હતી અને ધાર્મિક સ્થળને પણ નુકશાન પહોંચ્યું હતું.