યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ 1200 બાળકોને ભરપેટ ભોજન કરાવ્યું મોરબી : મોરબીમાં ક્રાંતિકારી વિચારોથી પ્રેરિત થઈને સામાજિક જાગૃતિ માટે સદ્દાય સક્રિય રહેતા યંગ ઇન્ડીયા ગ્રુપ દ્વારા જન્મદિન કે કોઈપણ તહેવારોની અનોખી ઉજવણી કરવામાં આવે છે. જેમાં બીજાને ખુશી આપીને એ ખુશીનો આનંદ મેળવવો એટલે આપવાનો આનંદ. આ આપવાના આનંદ કાર્યક્રમ હેઠળ આજે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીની પુત્રીના જન્મદિવસ અને તેમની લગ્નની વર્ષગાંઠની અનોખી રીતે ઉજવણી કરી 1200 બાળકોને ભરપેટ ભોજન કરાવ્યું હતું. મોરબીમાં સામાજિક કાંતિથી દેશ ભાવના ઉજાગર કરતા જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક દેવેનભાઈ રબારીની લાડલી પુત્રી મનસ્વીનો જન્મદિવસ છે. તેમજ યોગુનાયોગ આજે દેવેનભાઈ રબારીની લગ્નની વર્ષગાંઠ છે. આથી, દેવેનભાઈ રબારીએ આ બન્ને અવસરની યંગ ઇન્ડિયા ગ્રુપના 'આપવાના આનંદ' હેઠળની પ્રણાલી મુજબ ઉજવણી કરી હતી. જેમાં દેવેનભાઈ રબારીએ પોતાની લગ્નની વર્ષગાંઠ અને વ્હાલસોયી પુત્રી મનસ્વીના જન્મદિવસના અવસર પર આશરે 1200 જેટલા બાળકોને સ્વાદિષ્ટ તેમજ પૌષ્ટિક આહારયુક્ત ભોજન કરાવ્યું હતું. આ રીતે બાળદેવતા અને દરિદ્રનારાયણને રાજી કરી દીકરી મનસ્વી માટે આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવી હતી.