મોરબી : જેવી રીતે પરિવારની છત-મોભી પિતા હોય છે. એવી જ રીતે કાચા મકાનની છત નળીયા હોય છે. જેમ પિતા વિના પરિવાર પૂર્ણ નથી થતો. તેમ નળિયાં વિના કાચા મકાનો પડી ભાંગે છે. તાઉતે વાવાઝોડાએ રાજ્યના ઉના, ગીર-સોમનાથ તથા અમરેલી સહિતનાં જિલ્લાઓમાં ભારે તબાહી મચાવી હતા. વાવાઝોડાના કારણે ગામોમાં નળીયાવાળા મકાનોમાં રહેતા અનેક લોકો ઘરવિહોણા બન્યાં છે. ત્યારે મોરબીનાં યુવાને અમરેલીમાં વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોમાં નળીયા પહોંચાડી જન્મભૂમિનું ઋણ અદા કર્યું છે. મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપનાં પ્રમુખ અને મોરબી વોર્ડ નંબર 11નાં ભાજપના સક્રિય કાર્યકર્તા એવા નિરજભાઈ ભટ્ટ દ્વારા તેમનાં જન્મસ્થળ અમરેલીનાં ડેડાણ ગામે જેમના ઘરના નળિયાને નુકસાન થયું તેવા પરિવારોને કુલ 8000 જેટલા નળિયાની સહાય કરવામાં આવી છે. આ રીતે જન્મભૂમિનું ઋણ ચૂકવવાનાં તથા સેવાનાં આશયથી નિરાજભાઈએ ઘરવિહોણા પરિવારની વ્હારે આવી ઉમદા કાર્ય કર્યું છે. ઉલ્લેખનીય છે કે નિરજભાઈનો જન્મ અમરેલીનાં ડેડાણ ગામે થયો છે અને હાલ તેઓ મોરબીમાં સ્થાયી થયાં છે. તાઉતે વાવાઝોડાએ અમરેલી જિલ્લામાં મચાવેલી તબાહીના કારણે ડેડાણ ગામે અનેક ઘરનાં નળિયાને નુકસાન પહોંચ્યું છે. ઘરવિહોણા લોકોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં લઈ નિરજભાઈએ તાત્કાલિક ડેડાણ ગામે નળિયા પહોંચાડી સાચા અર્થમાં જન્મભૂમિનું ઋણ અદા કર્યું હતું.