બે શખ્સો મોટર સાયકલમાં નુકશાનના 50 હજાર માંગી મોબાઈલ અને કારની ચાવી લૂંટ ચલાવી મોરબી : મોરબીના નવા ઘુટુ નજીક યુનિવર્સ એલાયમેન્ટ નામની દુકાન સામે જાહેર રોડ ઉપર અકસ્માતની નુકશાનીનું વળતર મેળવવા માટે લાલો ઉર્ફે ખુરી અને રસિક નામના બે શખ્સોએ યુવાનનું બાઇકમાં અપહરણ કરી નુકશાનીનું વળતર ચૂકવીશ તો છોડી દઈશું તેવું કહીને યુવાનની ધોલાઈ કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. બે શખ્સો યુવાન ઉપર હુમલો કરી તેનો મોબાઈલ અને કારની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. આ બનાવની યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના પીપળી રોડ પર મનીષ કાંટાની બાજુમાં કેપી કાર પોઇન્ટ (ગેરેજ)માં રહેતા અને ગેરેજ કામનો ધંધો કરતા ક્રુપાલભાઇ કનકભાઇ વાળા (ઉં.વ. ૨૨) એ આરોપીઓ લાલો ઉર્ફે ખુરી (ઉં.વ. આશરે વીશેક વર્ષ), રસીક (ઉં.વ. આશરે પચ્ચીસેક વર્ષ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા. ૨૩ના રોજ બપોરનાં ચારેક વાગ્યાનાં અરશામાં ફરીયાદીની સેન્ટ્રો કાર નં. જીજે-૦૩-ઇસી-૪૭૩૬નું આરોપીઓનાં બજાજ પ્લેટીના નંબર જીજે-૦૩-બીપી-૧૮૪૩ સાથે ફરીયાદીથી અકસ્માત થતા મોટર સાઇકલનાં નુકશાનીના રૂપિયા ૫૦,૦૦૦ માંગતા ફરીયાદી પાસે ન હોય. જેથી, ફરિયાદીનું આરોપીઓનાં મોટર સાઇકલમાં અપહરણ કરી લઇ જઇ રૂપિયા આપે તો છોડી દેવો છે. તેમ કહી ફરીથી અકસ્માત વાળી જગ્યાએ લાવી રૂપિયા કઢાવવા ફરીયાદીને મુંઢ માર મારતા ફરીયાદીએ રૂપિયા નહી આપતા તેનાં પેન્ટનાં ખીસ્સામાંથી વીવો કંપનીનો કાળા કલરનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિં.રૂ. ૭૦૦૦નો તથા સેન્ટ્રો કારની ચાવી લુટી નાશી ગયા હતા. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.