ઓલ પાસ ફેસિલિટી હેઠળ તમામ વિદ્યાર્થીઓને પાસ કરવા પણ ભારતીય વિદ્યાર્થી સંગઠન દ્વારા શિક્ષણમંત્રીને રજુઆત મોરબી : રાજ્યમાં ધોરણ 12 ના તમામ પ્રવાહના વિદ્યાર્થીઓની પરીક્ષા અંગે તારીખ ઉપર તારીખ આવતી હોય આજરોજ ભારતીય વિદ્યાર્થી સંગઠન દ્વારા શિક્ષણમંત્રીને આવેદનપત્ર પાઠવી તમામ વિદ્યાર્થીઓને ઓલ પાસ પોલિસી હેઠળ પાસ કરવા અથવા 50 માર્કસના એમસીકયુ આધારિત પરીક્ષા લેવા માંગ કરી છે. ભારતીય વિદ્યાર્થી સંગઠન દ્વારા કરવામાં આવેલી રજુઆતમાં જણાવાયું છે કે, હાલમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓ લાંબા સમયથી કોરોના વૈશ્વિક મહામારીના કારણે તકલીફમાં છે. વિદ્યાર્થીઓ કેટલાએ સમયથી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, પરંતુ સરકાર તારીખ પર તારીખ આપે જાય છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે ખતરો દેખાઈ રહ્યો છે. પરીક્ષાનું કંઈ નક્કી નહિ હોવાથી વિદ્યાર્થીઓ પણ કંટાળ્યા છે અને વિદ્યાર્થીઓની ધીરજ પણ ખૂટી ગઈ છે. વધારે વાંચવાનું પણ ગમતું નથી. આ ઉપરાંત આજુબાજુમાં કુટુંબમાં કોરોનાના કારણે મૃત્યુ થયું હોય તેવા સંજોગોમાં માનસિક પરિસ્થિતિ પર તેની અસર થતી હોય છે. તો આવી પરિસ્થિતિમાં સરકાર તમામ વિદ્યાર્થીઓને ઓલ પાસ પોલીસી મુજબ વિદ્યાર્થીઓને આગળ મોકલો જેથી જે વિદ્યાર્થીઓ મોબાઇલ ઇન્ટરનેટ, નેટવર્ક પ્રોબ્લેમને કારણે ઓનલાઈન ભણી શક્યા નથી અને જેમને આ કોરોનામાં પોતાના સ્વજનો ગુમાવ્યા છે જેને કારણે આવી પરિસ્થિતિમાં તેઓ કઇં વાંચી શક્યા નથી તો એમની સાથે અન્યાય ન થાય. આ ઉપરાંત રજુઆતમાં જણાવાયું છે કે, કોલેજમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે 50 ગુણની MCQ Exam લઈને તે મુજબ માર્કશીટ બનાવીને આપો. જેથી જેમને વધુ માર્ક્સ લાવવા છે એમની સાથે પણ અન્યાય ન થાય. આ રીતે MCQ Exam લેવાથી થોડા જ સમયમાં પુરી થઇ જાય અને વધુ વ્યવસ્થા પણ કરવી પડે નહિ. જેથી કોરોનાનો ખતરો પણ ઓછો થઈ જાય. આ ઉપરાંત MCQ Exam લેવાથી શિક્ષકોને પણ પેપર જોવા પડે નહિ. જેથી શિક્ષકોને પણ કોરોનાનો ખતરો ના રહે અને પરિણામ પણ ઝડપથી આવી જશે. વધુમાં જો સરકાર આવી પરિસ્થિતિમાં સામાન્ય રીતે પરીક્ષા યોજે છે અને કોઈ એક કોરોના સંક્રમિત વિદ્યાર્થીના કારણે ગુજરાતના કેટલાએ વિદ્યાર્થીઓ સંક્રમિત થશે. તેની જવાબદારી કોણ લેશે? હોસ્પિટલોમાં જગ્યા પણ નથી હોતી, પૂરતા પ્રમાણમાં ઓકસીજનનો જથ્થો પણ નથી હોતો; તો આવા સંજોગોમાં આટલા વિદ્યાર્થીઓ અને એમની સાથે વાલીઓ તથા શિક્ષકો પણ કોરોના સંક્રમિત થઇ શકે છે. બીજી બાજુ હાલ મ્યુકરમાઇકોસીસના કેસનુ પ્રમાણ પણ વધી રહ્યું છે. જો આવી પરિસ્થિતિમાં સરકાર સામાન્ય રીતે પરીક્ષા યોજે છે ડિસ્ટન્સ નહિ જળવાય અને ભીડ થવાથી ત્રીજી લહેર આવવાની પુરી શક્યતા છે. અને પછી તેને સંભાળવી ખૂબ જ મુશ્કેલ છે. જેથી વિદ્યાર્થીઓ અને સમગ્ર ગુજરાતના હિતમાં યોગ્ય અને તાત્કાલિક નિર્ણય લેવો જરૂરી છે. જો વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં નહિ આવે તો સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થીઓ અને વાલી સંગઠનો દ્વારા ઠેરઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. તેવી સંભાવના વ્યક્ત કરી ગુજરાતના લાખો વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવા રજુઆતમાં જણાવાયું છે.