અન્ય રાજ્યોમાં લોકડાઉનને કારણે મંદ પડેલા મોરબીના સીરામીક-ઘડિયાળ ઉદ્યોગની ગાડી પાટે ચડશે મોરબી : ગુજરાત સહિત દેશભરમાં કોરોના સંક્રમણ ઝડપથી ઘટી રહ્યું છે અને સાજા થનારા દર્દીઓનું પ્રમાણ ઉંચુ જતા આગામી જૂન માસમાં દેશભરમાં અનલોક થવાના અણસાર મળી રહ્યા છે. બીજી તરફ અનલોકની આશાએ મોરબીના સીરામીક અને ઘડિયાળ ઉદ્યોગ પણ ફરીથી ધમધમતા થવાના સંકેતો મળતા ઉદ્યોગકારોમાં આશાનો સંચાર થયો છે. એપ્રિલ માસમાં કોરોનાએ દેશભરમાં તરખાટ મચાવતા મહારાષ્ટ્ર, દિલ્હી, યુપી, એમપી, હરિયાણા, છત્તીસગઢ, બિહાર સહિતના રાજ્યોમાં લોકડાઉન અમલી બન્યું છે. દેશના અનેક રાજ્યોમાં લોકડાઉનને પગલે મોરબીના સીરામીક અને ઘડિયાળ સહિતના ઉદ્યોગોને ફટકો પડ્યો છે. આ સંજોગોમાં હવે દેશભરમાં કોરોના સંક્ર્મણ ઘટવા લગતા આગામી જૂન માસના પ્રથમ સપ્તાહથી ફરીથી અનલોક પ્રક્રિયા શરૂ થાય તેવા સંકેતો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આપતા મંદ પડેલા ઉદ્યોગો ફરીથી ધમધતા થવાના સંકેતો સાંપડી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયના એક સીનીયર અધિકારીએ કહ્યું કે, જ્યાં સંક્રમણ દર ૧૦ ટકાથી ઓછો છે અને સતત ઘટી રહ્યો હોય, ત્યાં ગતિવિધિઓ શરૂ થવી જોઇએ. આવા જિલ્લાઓની સંખ્યા વધી છે અને એ સંકેત છે કે દેશ બીજી લહેરમાંથી બહાર નિકળવાના માર્ગે છે. છેલ્લા ત્રણ સપ્તાહના આંકડા તેની સાક્ષી પુરી રહ્યા છે.દિલ્હી, યુપી, એમપી, હરિયાણા, છત્તીસગઢ, બિહાર જેવા રાજ્યોમાં પોઝિટિવીટી દર પાંચ ટકાથી ઓછો અથવા તેની આસપાસ આવી ગયો છે. આ રાજ્યોમાં પોઝીટીવીટી રેટ અને નવા કેસોની સંખ્યા ઘટી જતા જૂન માસમાં અનલોક પ્રક્રિયા શરૂ થવાના સ્પષ્ટ અણસાર મળી રહ્યા છે.