નિયમ વિરુદ્ધ ઓવરલોડ ભરાતી ટીપરવાન ઉપર શ્રમિકોની જોખમી સવારી : ગંભીર અકસ્માતનું જોખમ મોરબી: સામાન્ય નાગરિક કે વાહનચાલકો દ્વારા જાણે અજાણ્યે થતાં નિયમભંગ બદલ પોલીસ અને આરટીઓ ત્વરિત દંડનીય કાર્યવાહી કરે છે. પરંતુ પાલિકાના વાહનોમાં સરેઆમ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરી સરકસના ખેલ કરાતા હોય તેવા દ્રશ્યો રાજિંદા બન્યા છે અને કોન્ટ્રાકટરના માણસો પણ લાયસન્સ વગર વાહન ચલાવી પોતાના તથા અન્યના જીવ ઉપર જોખમ ઉભું કરી રહ્યા છે. મોરબી પાલિકા દ્વારા ચલાવાતી કચરો એકત્રિત કરવાની ટીપરવાનમાં નિયમ વિરુદ્ધ ઠાંસી ઠાંસીને કચરો ભરવામાં આવી રહ્યો છે. ટીપરવાનમાં કચરાના ડુંગર ખડકી દેવાતા હોવા છતાં સામાન્ય વાહનચાલકો સામે કાયદાનો દંડો પછાડતા તંત્રને આવા કચરાના જોખમી ડુંગરો દેખાતા નથી. અધૂરામાં પૂરું આવી કચરાના ગંજ ખડકાયેલી ટીપરવાનમાં કર્મચારીઓ તેના ઉપર ચડીને બેઠા હોય અકસ્માત સર્જવવાનું જોખમ તોળાઈ રહ્યું છે. માર્ગમાં કોઈ જગ્યા પર નીચે ઝૂકી ગયેલા ઇલેક્ટ્રિકના તાર સાથે કર્મચારીઓના ટકરાવવાનું જોખમ સતત લટકતું રહે છે. ટીપરવાનમાં કચરો ભરાઈ ગયા બાદ તેને પ્લાસ્ટિક અથવા તાલપત્રીથી કવર કરવાનો નિયમ છે. આમ છતાં એ નિયમનો પણ ઉલ્લાળિયો કરવામાં આવી રહ્યો છે. વળી ટીપરવાનનાં કર્મચારીઓ અલગ અલગ પ્રકારનાં કચરાનું વર્ગીકરણ કરી તેના મસમોટા પોટલાઓ વાનની ચારોતરફ લટકાવતા હોય અન્ય વાહનચાલકોને પણ તેની સાથે ટકરાવવાનો ભય રહેલો છે. અલબત્ત સરકારી સેવામાં વપરાતું વાહન માત્ર હોવાને કારણે ગંભીર ગણાતી આવી બેદરકારી નજરઅંદાજ કરવામાં આવી રહી છે. તંત્રએ બનાવેલા નિયમોનું પાલન તંત્ર દ્વારા ચલાવાતી સેવાઓમાં જ ન થતું હોય લોકોમાં ભારોભાર નારાજગી જોવા મળી રહી છે.