હિન્દુ ધર્મમાં એકાદશીનું વિશેષ મહત્વ છે. એકાદશી એક મહિનામાં બે વાર આવે છે, જેનું વ્રત રાખવું શુભ મનાય છે. વૈશાખ મહિનાની શુકલ પક્ષની એકાદશી તિથિને મોહિની એકાદશી કહેવામાં આવે છે. આ વર્ષે એકાદશીનું શુભ મહૂર્ત 23 મે, રવિવારે એટલે કે આજે છે. મોહિની એકાદશીનું માહાત્મ્ય હિન્દૂ પુરાણોમાં વર્ણવાયેલું છે. મોહિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુએ અમૃતની રક્ષા કરવા મોહિનીનું રૂપ ધારણ કર્યું હતું. આથી, આ દિવસે પીપળો અને તુલસીની પૂજા કરવાની પરંપરા છે. કારણ કે પીપળામાં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે. તેમજ તુલસીને દેવી લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. માન્યતા એવી છે કે માતા સીતાના વિરહના દુ:ખથી ભગવાન શ્રીરામે અને મહાભારતમાં યુદ્ધિષ્ઠિરે પોતાના દુ:ખથી છુટકારો મેળવવા માટે એકાદશીનું વ્રત પૂર્ણ વિધિ વિધાન સાથે કર્યું હતું. શાસ્ત્રોની કથા અનુસાર, એક વખત સમુદ્ર મંથન કરવામાં આવ્યું. સમુદ્ર મંથન વખતે અમૃત નીકળ્યું. ત્યારે અમૃત પીવા માટે દેવતા અને દાનવો વચ્ચે ઝઘડો ચાલ્યો ત્યારે ભગવાન વિષ્ણુ સુંદર નારીનું રૂપ લઈને દેવતા અને દાનવોની વચ્ચે પહોંચી ગયા હતા. તેમના આ રૂપથી મોહિત થઈને દાનવોએ અમૃતનો કળશ દેવતાને સોંપી દીધો. મોહિની રૂપમાં ભગવાન વિષ્ણુએ દેવોને અમૃત પીવડાવી દીધું. આથી, દેવો અમર થઈ ગયા. જે દિવસે ભગવાન મોહિની રૂપમાં પ્રગટ થયા એ દિવસે એકાદશીની તિથિ હતી. એટલે આ દિવસને મોહિની એકાદશીના કહેવામાં આવે છે.