કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા પોલીસે આરોપીની વિધિવત ધરપકડ કરી મોરબી : માળીયાના વર્ષામેડી ગામે પ્રેમલગ્ન કરવા મામલે ખૂની ખેલ ખેલાયો હતો. પોતાની બહેને પ્રેમલગ્ન કરી લેતા ભાઈના મગજમાં ખૂન્નસ સવાર થતા ક્રોધિત થયેલા ભાઈએ પ્રેમલગ્ન કરનાર બહેનના સસરાને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ બનાવ અંગે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને દબોચી લીધો હતો. આ બનાવની માળીયા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર માળીયાના મોટા દહીંસરા ગામે આવેલ વિવેકાનંદનગરમાં ભાડે મકાનમાં રહેતા ભરતભાઈ ગંગારામભાઈ વાઘેલા (ઉ.વ. 51) અને તેમના પત્ની ભાનુબેન સાથે બાઈકમાં બે દિવસ પહેલા માળીયાના વર્ષામેડી ગામથી પોતાના ગામે પરત જઈ રહ્યા હતા. ત્યારે માળીયાના વર્ષામેડી ગામે રહેતો દિનુભાઈ ઉર્ફે નિનો પ્રભુભાઈ મહાલીયા (ઉ.વ. 24) નામના શખ્સે જુના મનદુઃખનો ખાર રાખીને ભરતભાઇ વાઘેલાને છરીના ઘા ઝીંક્યા હતા. આ ખૂની હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ભરતભાઈ વાઘેલાનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. હત્યાના બનાવ મામલે મૃતકના પત્ની ભાનુબેન ભરતભાઇ વાઘેલાએ ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી દિનુભાઈ ઉર્ફે નિનો પ્રભુભાઈ મહાલીયાની બહેને ભરતભાઈ વાઘેલાના દીકરા સાથે કોર્ટમાં લવમેરેજ કર્યા હતા. આ બાબતનો ખાર રાખીને આરોપીએ પોતાની જ બહેનના સસરા ભરતભાઈને છરીના ઘા ઝીંકીને પતાવી દીધા હતા. આ બનાવની ફરિયાદ નોંધાયા બાદ માળીયા પીએસઆઇ ચુડાસમા સહિતની પોલીસ ટીમે સઘન તપાસ ચલાવીને આરોપીને વર્ષામેડી ગામની સીમમાંથી ઝડપી લીધો હતો અને આરોપીના કોરોના ટેસ્ટ કરાવતા રિપોર્ટ નેગેટિવ આવતા પોલીસે આરોપીની વિધિવત ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.