તલની હરરાજી દરરોજ થશે : વરિયાળી, જીરું, એરંડા માટે દિવસો નક્કી કરાયા હળવદ : એપ્રિલ મહિનામાં કોરોનાએ ભારે માથું ઉંચકતા માર્કેટ યાર્ડ કેટલાક દિવસો માટે સંપૂર્ણ બંધ રહ્યું હતું. જો કે પાછલા થોડા દિવસોથી કોરોનાની પરિસ્થિતિમાં સુધારો આવતાં હળવદ માર્કેટ યાર્ડ કેટલાક ચોક્કસ નિયમો સાથે ફરી ધમધમતું થયું હતું. જેમાં માર્કેટ યાર્ડમાં વિવિધ જણસી વેચવા માટે ખેડૂતોએ નોંધણી કરાવવી જરૂરી હતી. જો કે આજે માર્કેટયાર્ડ દ્વારા ખેડૂતોને જણસી વેચવા માટે નોંધણી નહીં કરાવવી પડે તેવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. હળવદ માર્કેટ યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલ અને સેક્રેટરી મહેશભાઈ પટેલએ જણાવ્યું હતું કે આજથી હળવદ માર્કેટ યાર્ડમાં જણસી વેચવા માટે આવતા ખેડૂતોને નોંધણી કરાવવાની જરૂર નથી. સાથે દરરોજ અલગ-અલગ વારે જુદી-જુદી જણસીની હરરાજી કરવામાં આવશે. જેમાં તલની હરરાજી દરરોજ થશે. તેમજ વરિયાળી અને એરંડાની હરરાજી સોમવાર, મંગળવાર અને બુધવારના રોજ કરવામાં આવશે. સાથે જીરુ અને અન્ય પરચૂરણ તમામ જણસીની હરરાજી ગુરુ, શુક્ર અને શનિવારના રોજ કરવામાં આવશે. જેની દરેક ખેડૂતો એ નોંધ લેવા જણાવાયું છે. વધુમાં, યાર્ડમાં આવકનો પણ સમય નક્કી કરવામાં આવ્યો છે. જેથી, ખેડૂતોએ પોતાની વિવિધ જણાવશો લઇ રાત્રે ૯થી સવારના ૮વાગ્યા સુધીમાં આવવાનું રહેશે. તેમજ કેટલીક સૂચનાઓ પણ જાહેર કરવામાં આવી છે. જેમાં વરસાદી વાતાવરણમાં માર્કેટ યાર્ડમાં માલ પોતાની જવાબદારી સાથે અને ઢાકવાની વ્યવસ્થા સાથે લાવવાનો રહેશે. તેમજ કમિશન એજન્ટ સંપર્ક કર્યા વગર માલ યાર્ડના ગ્રાઉન્ડમાં નહિ લાવવા પણ અપીલ કરાઇ છે.