મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી અગરિયાઓને વ્યાપક નુકશાન પહોંચ્યુ હોવાનો ચિતાર આપ્યો હળવદ : હળવદમાં વરસાદ અને વાવાઝોડાને કારણે ખેડૂતો સહિત રણમાં મીઠું પકવતા અગરિયાઓને પણ ભારે નુકસાની થઈ હોવાનું સામે આવ્યું છે ત્યારે આજે હળવદ-ઘ્રાંગધ્રાના ધારાસભ્ય સાબરિયાએ રણકાંઠાના અગરિયા પરિવારોની મુલાકાત લઇ રૂબરૂ પરિસ્થિતિનો તાગ મેળવી રાજ્યના મુખ્યમંત્રીને અગરિયાઓને થયેલી નુકસાની અંગેનો સર્વે કરાવી સહાય ચૂકવવા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. ટાઢ-તડકો વેઠીને કાળી મજૂરી કરી મીઠાનું ઉત્પાદન કરતા અગરિયા પરિવારોએ મીઠું પકવીને તૈયાર કરી દીધું હતું. તેવા સમયે વરસાદ અને વાવાઝોડું આવતા ભારે નુકસાની થઈ છે. જેને લઇ અગરિયા પરિવારો દ્વારા સહાય ચૂકવવા માટે અગાઉ હળવદ મામલતદારને રજૂઆત પણ કરવામાં આવી હતી. ત્યારે આજે હળવદ-ધાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સદસ્ય પપુભાઈ ઠાકોરએ રણકાંઠામાં મીઠું પકવતા અગરીયા પરિવારોની રૂબરૂ મુલાકાત લઇ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. સાથે જ અગરિયા પરિવારોને થયેલ નુકશાની અંગે અગરિયાઓની રજૂઆતો સાંભળી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને કરાયેલ રજૂઆતમાં ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયાએ જણાવ્યું છે કે મારા મત વિસ્તારના હળવદ અને ધાંગધ્રા તાલુકાના રણકાંઠા વિસ્તારમાં મીઠું પકવતા અગરીયા પરિવારોને વાવાઝોડા તૌકતેથી મોટા પાયે નુકસાન થયેલ છે. તો આપને વિનંતી છે કે ઉપરોક્ત વિષય અન્વયે અધિકારીઓને તાત્કાલિક સૂચના આપી સર્વે કરી અને જે અગરિયા પરિવારોને નુકસાન થયેલ છે તેમને વહેલી તકે સહાય મંજૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.