મોરબી : કોરોનાની વૈશ્વિક મહામારીથી ભારતના મોટા ભાગના રાજ્યોમાં જાનહાની થઈ છે. જેમાં ગુજરાત પણ બાકાત નથી. એક માસ પૂર્વે સમગ્ર ગુજરાતમાં કોરોનાના દર્દીઓ માટે બેડ અને ઓક્સિજનની અછત ઉભી થયેલી, જેની અસર મોરબીમાં પણ પડી હતી. કોરોના દર્દીઓની ખરાબ હાલત જોતા સામાજિક સંસ્થાઓ અને જ્ઞાતિ મંડળો દ્વારા કોરોના કેર સેન્ટર ખોલવામાં આવેલ તેમ છતાં ઓક્સિજનવાળા દર્દીઓના બેડની માંગ રહેતા મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ તાત્કાલિક નિર્ણય કરી મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, કારોબારી ચેરમેન સુરેશભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ મોરબીના હાર્ટ સમા સાવસર પ્લોટ વિસ્તારની જૂની પ્રભાત હોસ્પિટલને ભાડે રાખી માત્ર બે જ દિવસમાં ૩૪ બેડની હોસ્પિટલ શરૂ કરેલ હતી. ગત ૨૧/૪/૨૦૨૧ના રોજ મોરબી નગરપાલિકાની કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવેલ હતી. જેમાં એક માસમાં ૪૯ દર્દીઓને દાખલ કરવામાં આવેલ હતા. જેમાં ૮૦% દર્દીઓ ૧૫/૨૫ થી ૨૦/૨૫ સીટી સ્કોર સાથે ઓક્સિજનની જરૂરિયાતવાળા હતા. જેમાંથી ૩૩ દર્દીઓને કોરોના મુક્ત કરવામાં આવેલ અને ૯ દર્દીઓને ઓક્સિજનની રિકવાયરમેન્ટ વધુ હોવાથી સેન્ટરલ ઓક્સિજન સિસ્ટમવાળી હોસ્પિટલમાં રીફર કરવામાં આવેલ હતા. તેમજ ૭ દર્દીઓને વધુ સારવાર અર્થે અન્ય હોસ્પિટલ ખાતે ટ્રાન્સફર કરવામાં આવેલ હતા. ગત તારીખ ૨૦/૦૫/૨૦૨૧ના રોજ મોરબી નગરપાલિકા સંચાલિત હોસ્પિટલ બંધ કરવામાં આવેલ હતી. મોરબી નગરપાલિકા કોવિડ હોસ્પિટલની એક માસની પ્રસંસનીય કામગીરી માટે મોરબી નગરપાલિકા સ્ટાફ તેમજ મોરબી નગરપાલિકા કોવિડ હોસ્પિટલનું એડમિનિસ્ટ્રેશન સાંભળતા ડૉ. પરેશ પારીઆ, ક્રિટિકલ કેર સાંભળતા ડૉ. મનુ પારીઆ, વિઝિટિંગ મેડિકલ ઓફિસર ડૉ. હાર્દિક જેસવાણી, ડૉ. અક્ષય પટેલ અને તમામ સ્ટાફનો મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.