લોકડાઉનને કારણે ધંધો બરાબર ચાલતો ન હોય આત્મઘાતી પગલું ભર્યું હોવાનું પરીજનોનું કથન મોરબી: શહેરના રવાપર રોડ સ્થિત કાયાજી પ્લોટ વિસ્તારમાં રહેતા મૂળ અમદાવાદ તરફના વતની એવા આધેડે પોતાના ઘેર ચાદર વડે ગળાફાંસો ખાઈ લેતા મૃતકની પત્નિ અને બે સંતાનો નોંધારા બન્યા છે. મોરબી સીટી. એ. ડિવિઝન પો.સ્ટે.માંથી જાણવા મળતી વિગતો મુજબ રવાપર રોડ સ્થિત કાયાજી પ્લોટ વિસ્તારમાં સરદારબાગની પાછળ શિવાલય ફ્લેટમાં રહેતા મૂળ અમદાવાદ બાજુના અને ઘણા સમયથી મોરબી સ્થાઈ થયેલા કારખાનેદાર 47 વર્ષીય સુભાષભાઈ પરસોત્તમભાઈ પંચાલે તેમના ઘેર ચાદર વડે ગળાફાંસો લગાવતા તેનું મોત નિપજ્યું હતું. ગઈકાલે શુક્રવારે રાત્રે તેમના પત્નિ અને પુત્રી સુભાષભાઈના સાળાનાં ઘેર ગયા હતા અને 16 વર્ષીય પુત્ર ઘેર હાજર હતો એ દરમ્યાન એક રૂમમાં જઈ કારખાનેદારે ગળે ફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતાં પરિવારમાં રોકકળ મચી ગઇ હતી. મૃતકને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડતા પોલીસને જાણ કરાઈ હતી. એ ડીવી પો.સ્ટે.ના હમીરભાઈ ગોહિલે ઘટના સ્થળ પર પહોંચી કરેલી તપાસ દરમ્યાન એકઠા થયેલા મૃતકના પરીજનો પાસેથી જાણવા મળ્યું હતું કે, મોરબીમાં ઘણા સમયથી ફેબ્રિકેશનનું કારખાનું ધરાવતા મૃતકનો ધંધો લોકડાઉનને કારણે ઠપ્પ થઈ ગયો હતો અને આથી મૃતક આર્થિક સંકડામણ અનુભવતા હતા. આથી ડિપ્રેશનમાં આવીને તેમણે આ અંતિમ પગલું ભર્યું હતું. બનાવના કારણ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.