7/12ના દાખલા કાઢવામાં લોકોને મુશ્કેલી પડતી હોવાની વકીલ મંડળની રજુઆત મોરબી : મોરબી જિલ્લાના ઈ-ધરા કેન્દ્ર તથા 7/12 કઢાવવાની કામગીરી સત્વરે શરૂ કરવા મોરબી રેવન્યુ વકિલ મંડળ દ્વારા કલેક્ટર ઓફિસને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજુઆતમાં જણાવાયું છે કે કોરોનાની બીજી લહેર વખતે સરકાર તરફથી લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારથી એટલે કે છેલ્લા એક મહિનાથી મોરબી જિલ્લાના તમામ ઇ-ધરા કેન્દ્રોની ઓનલાઈન અરજી સિવાયની તમામ કામગીરી બંધ છે. તેમજ 7/12 કાઢવાની કામગીરી પણ બંધ છે. જે બાબતે તા. 31/5/2021 સુધી આ કામગીરી બંધ રહેવા કલેકટર કચેરી દ્વારા પરિપત્ર જાહેર થયેલ છે. પરંતુ સબ રજીસ્ટાર કચેરીમાં 50% દસ્તાવેજની કામગીરીના નિર્ણયમાં હવે ફેરફાર કરી 100 ટકા દસ્તાવેજો થઈ શકશે તેવો નિર્ણય લેવાયો છે અને તા. 21/05/2021થી વેપાર-ધંધા માટે પણ આંશિક છૂટ જાહેર થયેલ છે. પરંતુ ખેડૂતોને પાક ધિરાણ મેળવવાના આ સમયગાળામાં 7/12 મેળવવા માટે કચેરી બંધ હોવાથી ખેડૂતોને હેરાન થવું પડે છે અને દસ્તાવેજ થયા બાદ એન્ટ્રીની કામગીરી બંધ હોય લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમજ કલમ-54 (ક)ની મંજૂરી બાદના વેચાણ દસ્તાવેજની એન્ટ્રી પડતી નથી. બિનખેતી ન થવાને લીધે ઉદ્યોગપતિઓના પ્રોજેક્ટ અટકી ગયેલ છે. આથી, ઇ-ધરા કેન્દ્રમાં તમામ અરજી સ્વીકારવાની અને 7/12 મળવાની કામગીરી વકીલો, ખેડૂતો, ઉદ્યોગપતિઓ અને જાહેર જનતાના હિતમાં સત્વરે શરૂ કરવા જરૂરી પરિપત્ર કરવા રેવન્યુ બાર એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવેલ છે.