મોરબી: તાલુકાના લખધીરપુર રોડને સિમેન્ટ કોન્ક્રીટનો બનાવવાના કાર્યનું આજે શનિવારે ખાતમહુર્ત થયું હતું. માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા મોરબી તાલુકાના નેશનલ હાઇવે નંબર 8- એથી લખધીરપુર રોડ પર લખધીરપુર ગામ પાસેથી 200 મીટરના આ રોડનું રૂપિયા 25 લાખના ખર્ચે નાવીન્યકરણ હાથ ધરાયુ છે. સુવિધા પથ યોજના હેઠળ આ માર્ગ બનાવવામાં આવી રહ્યો છે. જ્યારે સોરીસો ચોકડી પાસે 7 મીટર પહોળાઈનો અને 80 મીટર લંબાઈનાં માર્ગનું પણ આજે ખાતમહુર્ત થયું હતું. મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા, જિલ્લા પંચાયતના ચેરમેન જેઠાભાઈ પારધી, તાલુકા પંચાયતનાં ચેરમેન હંસાબેન સોલંકી, સરપંચ જગદીશભાઈ, ઉપસરપંચ વિનુભાઈ રબારી તથા લાલજીભાઈ સોલંકી, રતીભાઈ, રવજીભાઈ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં આ માર્ગના ખાતમહુર્તને લઈને સ્થાનિકોમાં હર્ષ છવાયો હતો. કેમ કે વારંવાર તૂટી જતા ડામર રોડને કારણે આ માર્ગ પરથી આવાગમન કરતા લોકોની મુશ્કેલીનો હવે અંત આવશે.