મોરબી પોલીસની ત્વરિત કાર્યવાહી : અન્ય પાંચ આરોપીને ઝડપી લેવા પોલીસની કાર્યવાહી તેજ મોરબી : વાંકાનેર નજીક 'ખૂન કા બદલા ખૂન'ના બનાવમાં છ આરોપીઓ સામે હત્યાનો ગુન્હો નોંધાયા બાદ પોલીસે એક આરોપીને દબોચી લીધો છે. પોતાના ભાઈની હત્યાનું વેર વળવા છ શખ્સોએ હત્યાના ગુન્હામાં જામીન પર છૂટેલા આરોપીનું ઢીમ ઢાળી દીધું હતું. હાલ પોલીસે નિજામ નૂરમામદ હોથી નામના આરોપીને ઝડપીને બાકીના પાંચ આરોપીઓને ઝડપી લેવા સઘન તપાસ હાથ ધરી છે. આ હત્યાના બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટની આર.ટી.ઓ. ઓફીસ પાસે વર્ષ 2019ના રોજ એજાજ ઉર્ફે અજુ હનીફભાઈ પાયકના ભાઈ સાહિલની હત્યા કરવામાં આવી હતી. આ હત્યાના ગુન્હામાં જે-તે સમયે આરોપી રાહુલ રાજેશભાઈ અને તેના મિત્ર નીતિન માંધવજીભાઈની પોલીસે ધરપકડ કરી હતી. દરમિયાન આ હત્યા કેસમાં રાહુલ રાજેશભાઈ અને તેના મિત્ર નીતિન માંધવજીભાઈ જામીન પર છૂટ્યા હતા. આથી, પોતાના ભાઈની હત્યાનું વેર વાળવા માટે એજાજ ઉર્ફે અજુ હનીફભાઈ પાયકે રાહુલનો કાંટો કાઢી નાખવાનો પ્લાન ઘડયો હતો. તેથી, રાહુલ અને તેનો.મિત્ર ગઈકાલે ટ્રક લઈને વાંકાનેર તરફ આવી રહ્યા હતા. ત્યારે એજાજ અને સોહીલ નુરમામદભાઈ કાબરા, નિજામ નુરમહમદ હોથી તથા અન્ય 3 અજાણ્યા શખ્સોએ કાર અને બાઈકમાં વાંકાનેરના કોઠી ગામ પાસે ધસી આવીને રાહુલને આંતર્યો હતો. તેમજ આ છ શખ્સો ઘાતક હથિયારો સાથે રાહુલ અને તેના મિત્ર ઉપર તૂટી પડ્યા હતા. આ બનાવમાં ગંભીર રીતે ઘાયલ થયેલા રાહુલનું મોત નીપજ્યું હતું અને નીતીન માધવજીભાઇને ઇજા પહોંચી હતી. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધીને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી. જેમાં એસ.પી. એસ. આર. ઓડેદરા અને ડી.વાય.એસ.પી. રાધિકા ભારાઈની સૂચનાને પગલે પોલીસની ટીમોએ જુદી-જુદી દિશામાં સઘન તપાસ ચલાવીને હાલ એક આરોપી નિજામ નૂરમામદ હોથીને ઝડપી લીધો હતો. આ આરોપીનો કોરોના ટેસ્ટ કરીને વિધિવત ધરપકડ કરવાની પોલીસે તજવીજ હાથ ધરી છે. તેમજ બાકીના પાંચ આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.