ડુંગળીનો તૈયાર પાક ઉપર વરસાદ પડતા ખેડૂતો પાયમાલ : મહુવા યાર્ડ બંધ હોવાથી પડ્યા ઉપર પાટુ હળવદ : તા. ૧૭ અને ૧૮ મેના રોજ વાવાઝોડાની અસરને કારણે વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે હળવદ તાલુકાના રાણેકપર ગામ નજીક આવેલ પંસારી વિસ્તારમાં ૪૦૦ વિઘા જેટલી જમીનમાં સફેદ ડુંગળીનું વાવેતર કરનાર ખેડૂતોની હાલત કફોડી બની છે. પંસારી વિસ્તારમાં ચાલુ વર્ષે 400 વીઘા જમીનમાં સફેદ ડુંગળીનું વાવેતર ખેડૂતોએ કર્યું હતું અને ડુંગળીનો પાક તૈયાર થઇ ગયો હોય અને બારદાન પણ ભરી ભરી દેવાયા હતા. તેવા સમયે વરસાદ અને વાવાઝોડું આવતા આ ડુંગળીનો પાક ખેદાન-મેદાન થયો છે. મોટાભાગે હળવદ તાલુકાના ખેડૂતો ડુંગળીનો પાક વહેંચવા માટે મહુવા યાર્ડમાં જતા હોય છે પરંતુ ત્યાં પણ વાવાઝોડાના અને વરસાદને કારણે યાર્ડ બંધ હોય, જેના કારણે અન્ય પણ કોઈ કારખાનેદારો ડુંગરી ખરીદતા નથી. જેના કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. પંસારી વિસ્તારના ખેડૂત જયંતીભાઈ પટેલ, ભાવિનભાઈ, બાબુભાઈ, કે. ડી. ભાઈ, હરેશભાઈ સહિતનાઓએ જણાવ્યુ હતું કે ડુંગળીનો પાક તૈયાર થઇ ગયા બાદ બારદાન ભરી ખેતર વચ્ચે પડ્યા હતાં. તેવા સમયે વરસાદ અને વાવાઝોડું આવતા હવે ખેતરમાંથી બહાર કાઢવો પણ મુશ્કેલ છે. સાથે જ મોટા ભાગે મહુવા યાર્ડમાં ડુંગળી વેચવા માટે જતા હોઈએ છીએ. પરંતુ ત્યાં પણ વાવાઝોડાના કારણે યાર્ડ બંધ હોય સાથે જ અન્ય કોઈ કારખાનામાં પણ ડુંગળીની માંગ ન હોય, જેને કારણે ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.